વિશાલ મિસ્ત્રી રાજપીપળા
આમ તો મોટે ભાગે ગુજરાતના દરેક જિલ્લાઓમાં ફૂડ & ડ્રગ વિભાગની કચેરી કાર્યરત છે.પણ 2 ઓક્ટોબર 1997 માં ભરૂચમાંથી નર્મદા જિલ્લો અલગ પડ્યો ત્યારથી અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં ફૂડ & ડ્રગ વિભાગની કચેરી કાર્યરત થઈ નથી.નર્મદા જિલ્લામાં એ વિભાગનો કોઈ પ્રશ્ન હોય તો ભરૂચથી અધિકારીઓને બોલાવવામાં આવે છે.
હવે નર્મદા જિલ્લામાં ફૂડ & ડ્રગ વિભાગની કચેરીના અભાવે હોટેલ,ખાણી પીણીની લારીઓ,ફરસાણના વેપારીઓ અને મેડિકલ સ્ટોરવાળાઓને ઘી કેળા થઈ પડ્યા છે કોઈ જોવા વાળું જ ન હોવાથી મન ફાવે તેવો વહીવટ તેઓ ચલાવતા હોવાની પ્રજામાં બુમો ઉઠી છે.હોટેલ તથા ખાણી પીણીની લારીઓવાળા જેવી ખાદ્ય ચીજો બનાવે તેવી લેવાનો વારો આવતો હોવાથી નર્મદા જિલ્લા સહિત રાજપીપળા વાસીઓમાં રોષ ફેલાયો છે.વારે તહેવારે રાજપીપળાની ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં દુકાનદારના વિશ્વાસે લોકો વસ્તુઓ ખરીદતા હોય છે.પણ એ ખાદ્ય ચીજોની ગુણવત્તા કેવી હોય છે એ તો દુકાનદાર જાણે.
જોકે દર વારે તહેવારે રાજપીપળા પાલિકાની ટિમ દ્વારા શહેરની તમામ હોટેલો અને ખાણી પીણીની લારીઓ સહિત ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાય છે.અને અમુક કિસ્સાઓમાં તો પાલિકા દ્વારા ખરાબ વસ્તુઓનો નાશ કરી દંડ પણ વસુલાય છે.ત્યારે નર્મદા જિલ્લામાં જો ફૂડ & ડ્રગ વિભાગની કચેરી કાર્યરત કરાય તો ખાદ્યચીજોના વેપારીઓ સાવધ થઈ જાય અને જિલ્લાવાસીઓના સ્વાસ્થય સાથે ચેડાં થતા પણ અટકે.