(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
રાજપીપળા-વડોદરા વચ્ચે 30 થી 40 કિમીનો લાંબો ફેરો ઘટે એ માટે રાજપીપળા અને સેગવા વચ્ચે 2002માં શ્રી રંગ સેતુ બ્રિજ બનાવાયો.જોકે એપ્રોચ રોડનું કામ બાકી હોવાથી 2005માં આ બ્રિજનું લોકાર્પણ કરાયું.ત્યારથી લઈ અત્યાર સુધી લગભગ 2 વાર આ પુલનું સમારકામ થઈ ચૂક્યું છે.હાલમાં જ ફરી જાન્યુઆરી 2017 થી જુલાઈ 2017 સુધી આ બ્રિજને 9 કરોડથી વધુના ખર્ચે એકસ્ટર્નલ પ્રીસ્ટ્રેટિંગની મેથડથી મજબૂત બનાવવા અને 8 નંગ રોલર બેરિંગ તથા 8 નંગ રિકર બેરિંગ બદલવા માટે બંધ કરાયો છે.બેરિંગને બદલવાનું કામ તો પૂર્ણ થયું છે પરંતુ હાલ રોડનું જૂનું કોન્ક્રીટ તોડી ડામાંરિંગનું કામ ચાલી રહ્યું છે.તો જૂનું તોડેલું કોન્ક્રીટ પુલની નીચે આમ તેમ ફેંકાતા આસપાસના ખેતરનાં માલિકો,ફાર્મ હાઉસના માલિકોને મોટી અડચણ ઉભી થતી હોવાથી એ હટાવવાની માંગ ઉઠી છે.
બીજી બાજુ આસપાસના લોકો દ્વારા એવું પણ કહેવાય રહ્યું છે કે આ કોન્ક્રીટ તોડવામાં બિલકુલ ઓછો સમય લાગ્યો છે.જો નિયમ મુજબ ગુણવત્તા વાળા મટીરીયલનો ઉપયોગ કરાયો હોત તો કોન્ક્રીટ તોડવામાં તકલીફ ઉભી થાય.જે તે સમયે બનેલા આ રોડમાં પણ ભ્રષ્ટાચાર કરાયો હોવાનો લોકો આક્ષેપ લગાવી રહ્યા છે.અને દૂધનું દુધ અને પાણીનું પાણી કરવા અત્યારે તોડેલા કોન્ક્રીટનું ફરી લેબ ટેસ્ટિંગ કરી એનો જે રિપોર્ટ આવે તે અને પહેલાના જે તે સમયના લેબ રિપોર્ટ સાથે એને મેચ કરવાની માંગ પણ કરી રહ્યા છે.
શ્રી રંગ સેતુ બ્રિજ લગભગ 28 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે.હાલમાં એનું 9 કરોડના ખર્ચે સમારકામ ચાલી રહ્યું છે.આની પેહલા પણ 2 વખત આ બ્રિજનું સમારકામ હાથ ધરાયુ હતું.તો એના સમારકામ પાછળ કરોડોનું આંધણ થયું છે ત્યારે આ બ્રિજ પ્રજા ઉપયોગ માટે નહિ પણ સરકારી તિજોરી ખાલી કરવા અને ખાનગી એજન્સીઓની તિજોરી ભરવા જ બનાવાયો છે એવું ચર્ચાઈ રહ્યું છે.