વિશાલ મિસ્ત્રી રાજપીપળા:
નર્મદા નદીમાં સ્નાન કરવાનું પણ હિન્દૂ શાસ્ત્રોમાં અનેરું મહત્વ છે.તો ખાસ કરીને દર અમાસે નર્મદા જિલ્લાના નદીના કિનારે આવેલા ધાર્મિક સ્થળો જેવા કે કુબેર ભંડારી,ચાંદોદ,અનસૂયા માતાના મંદિર સહિત અનેક સ્થળોએ દૂર દૂરથી દર્શનાર્થીઓ પાપ મુક્ત થવા કિનારે આવેલી નર્મદા નદીમાં સ્નાન કરી પોતાના કપડાં પણ એ જ પાણીમાં છોડી જતા રહે છે. તો આનાથી પવિત્ર નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાતું હોવાનું રાજપીપળાના તબીબ ડો.વનરાજસિંહ ખુશાલસિંહ સોલંકીને ધ્યાને આવ્યું.અને એમણે હેલ્પ ગ્રુપ રાજપીપળા નામે એક સંગઠન બનાવી નર્મદા નદીને સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું.રાજપીપળા શહેર સહિત આસપાસના નામાંકિત ડોકટરો,વેપારીઓ,ખેડૂતો સહિત 35 થી 40 સભ્યોએ 24/11/2014 થી દર અમાસે સરકારી સહાય વિના સ્વખર્ચે નર્મદા નદીના સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી.
ત્યારથી લઈ અત્યાર સુધી 37 અમાસ દરમિયાન એમણે 150 ટન જેટલા કપડાં નર્મદા નદીમાંથી બહાર કાઢ્યા છે.એ કપડાઓમાંથી જે સારા હોય એને શુકવી અંતરિયાળ વિસ્તારના જરૂરિયાત મંદોને પહોંચાડે છે જ્યારે બાકીના સડેલા કપડાઓનો ત્યાં જ દૂર નદી કિનારે ઊંડો ખાડો ખોદી નાશ કરે છે.ઉનાળાનો બળબળતો તાપ હોય,શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ચોમાસામાં વરસતા ધોધમાર વરસાદમાં બે કાંઠે નદી વહેતી હોય ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી તેઓએ આ સેવા કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે.તેમના આ સેવા કાર્યને ધ્યાનમાં રાખી જર્નાલિસ્ટ એસોસીએશન નર્મદા દ્વારા “નર્મદા રત્ન” એવોર્ડથી સન્માનિત પણ કરાયા હતા પણ જિલ્લાના સરકારી તંત્ર દ્વારા એમને મદદ તો ઠીક પણ બિરદાવાયા પણ નથી એ આશ્ચર્યજનક કહેવાય.આ જ નર્મદાનું પાણી લોકો પવિત્ર માની માથે ચઢાવે છે અને પૂજામાં પણ ઉપયોગમાં લે છે ત્યારે સરકારી તંત્રએ મદદ તો કરવી જ જોઈએ પણ સાથે જાહેર જનતાએ પણ નદીને પ્રદુષિત ના કરવા જાગૃત થવું પડશે.
આ મામલે રાજપીપળા હેલ્પ ગ્રુપના વિજય રામીએ જણાવ્યું હતું કે અમને અમારા આ કાર્યમાં સરકારી તંત્ર,રાજપીપળા પાલિકા તરફથી બિલકુલ સહકાર મળતો નથી.કોઈક દિવસ પોલીસનો સહકાર જરૂર મળે છે.આ કાર્ય દરમિયાન શ્રદ્ધાળુઓ પવિત્ર નર્મદા નદી કિનારે જ શૌચક્રિયા કરતા હોવાંનું તથા પોતાની ગાડી અને કપડાં નદીમાં ધોતા હોવાનું પણ અમારા ધ્યાને આવ્યું.આ બાબતે અમે જે તે વખતના નર્મદા કલેક્ટને મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા માટે લેખિતમાં રજુઆત પણ કરી હતી પણ કોઈજ પરિણામ આવ્યું નથી.અમને અનુપન મિશન મોગરીનો સારો સહયોગ મળે છે.અમે પોસ્ટરો-બેનરો લગાડી લોક જાગૃતિ માટે પ્રયાસો કરી રહ્યા છે.જો પોઇચા-ગામડી પંચાયતમાં એક ઠરાવ કરી આ નદીના ભાઠામાં ભાડું વસૂલી પાર્કિંગ વ્યવસ્થા,મહિલાઓને કપડાં બદલવા તથા શૌચક્રિયા માટે વ્યવસ્થા ઉભી કરાય તો પંચાયતને પણ એક આવક ઉભી થાય સાથે સાથે નદી કિનારો સ્વચ્છ પણ રહે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હેલ્પ ગ્રુપ રાજપીપળા દર વર્ષે ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર,રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ તથા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવાની તાલીમ પણ આપે છે.અને સાથે સાથે POP ની મુર્તિ પાણીમાં વિસર્જિત કરવાથી પર્યાવરણને થતા નુકસાન મામલે સમજૂતી પણ આપે છે.