વિશાલ મિસ્ત્રી રાજપીપળા
નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં એક જ વ્યક્તિનું નામ અલગ અલગ ગામોની મંડળીમાંથી ઠરાવ થઈને આવતા વિવાદ,આ કિસ્સાને ગેરબંધારણીય ગણાવી યોગ્ય તપાસની માંગ.
નાંદોદ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું ગત 2/1/2018 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.ત્યારે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ પણ નિયમ મુજબ મતદાર યાદી પ્રસિદ્ધ ના કરાઈ હોવાની સાથે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં સરકારી અધિકારીઓએ ગેરરીતિ કરી હોવાના આક્ષેપ સહકારી અગ્રણી ઘનશ્યામ પટેલે આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે.સાથે સાથે આ મતદારયાદીમાં એક સહકારી અગ્રણીનું નામ ગેરબંધારણીય હોવાનું જિલ્લાના સહકારી આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી રાજુઆત કરી છે.
નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, રાજપીપળા એપીએમસી વા.ચેરમેન નિલ રાવ,દિનેશ પટેલ,દિલીપ રાવ સહિતના અન્ય સહકારી આગેવાનોએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે નાંદોદ તાલુકાના કાંદરોજ ગામના સુનિલ પટેલ ઉમરવા ગ્રુપ મોટા કદની સે.સ.મંડળીના કાર્યક્ષેત્રમાં આવે છે.તે છતાં એમનું નામ આ ચૂંટણીની મતદાર યાદીમા વાઘેથા ગામની મંડળીમાંથી ઠરાવ કરી ખોટી રીતે દાખલ કરાયું છે.ભરૂચ ડી.કો.ઓ.બેંકની ચૂંટણીમાં સુનિલ પટેલનો ઠરાવ હજરપુરા સેવા સ.મંડળીમાંથી કરવામાં આવ્યો હતો.જે અંગેની રજૂઆત અને કાર્યવાહી હાલમાં પણ જિલ્લા રજિસ્ટ્રાર અને કોર્ટમાં ચાલે છે.તેઓ વાઘેથા ગામનાં વતની જ નથી તેમજ ખેડૂત ખાતેદાર પણ નથી.આ ફેરફાર કરવાના બદઈરાદાના કારણે જ મતદારયાદી સમયસર પ્રસિદ્ધ કરાઈ નથી.સુનિલ પટેલ સામે ઉમરવા સેવા સહકારી રેકોર્ડ ઉઠાવી જવાનો કેસ પણ આમલેથા પોલીસ મથકમાં નોંધાયો છે.નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં એક જ વ્યક્તિનું નામ અલગ અલગ ગામોની મંડળીમાંથી ઠરાવ થઈ આવ્યાનો બનાવ ગુજરાતના નર્મદા જિલ્લામાં બન્યો છે જે ગેરબંધારણીય છે.આ અંગે તપાસ થવી જોઈએ.