વિશાલ મિસ્ત્રી રાજપીપલા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલ માંગુ ગામમાં છેલ્લા 5 મહિનાથી માટી મેટલ રોડનું કામ અને તળાવ ખોદવાની મનરેગામાં કામ કરનાર 21 જેટલા ગ્રામજનોને નાણાં ન મળ્યા હોવાની ગ્રામજનીએ જિલ્લા વહીવટી તંત્રને ફરિયાદ કરી હતી.જોકે આ નાણાં કામ કર્યા સિવાયના બીજા 10 વ્યક્તિઓને બારોબાર ચૂકવાઈ ગયા હોવાની બાબત ગ્રામજનોને જાણવા મળતા આખું ગામ ટીડીઓ કચેરી એ રજુઆત કરવા પહોંચી ગયું હતું.હાલમાં સ્વાગત ઓનલાઇન ફરિયાદ કાર્યક્રમમાંમાં પણ જિલ્લા કક્ષાએ ફરિયાદ કરતા ટીડીઓ તિલકવાડાએ તપાસના આદેશ આપ્યા છે.
આ બાબતે ગ્રામ આગેવાન મહેન્દ્ર બારીયાએ જણાવ્યું હતું કે તીલકવાડા તાલુકાનાં માંગુ ગામે મનરેગામાં કામ કરનાર 21 જેટલા ગ્રામજનોને છેલ્લા 5 મહિનાથી નાણાં નહીં ચૂકવાતા ગ્રામજનોએ સરપંચ અને તલાટી ને રજૂઆત કરી હતી.બાદ બારોબાર 10 જેટલા ઈસમો કે જેઓએ મનરેગામાં કામ જ કર્યું નથી તેવાને નાણાં ચૂકવાયા હોવાનું અમારા ધ્યાને આવ્યું હતું.બાદમાં જાગૃત લોકોએ આ મામલે RTI ભર્યા પછી પણ તાલુકા પંચાયત તરફથી કોઈ કાર્યવાહી ન થતા અમે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં આ અંગે ફરિયાદ કરી છે.બાદ તાલુકા વિકાસ અધિકારી તિલકવાડાએ સમગ્ર ફરિયાદની ઘનિષ્ઠ તપાસ હાથ પર લીધી ત્યારે સરપંચ ટીડીઓ સામે પોતે કરેલી ભૂલ કબુલી પણ લીધી હતી.તો તેમને કેમ સસ્પેન્ડ નહિ કરવા એ તંત્રને અમારો સવાલ છે.જો જવાબદારો સામે પગલાં નહિ ભરાય તો અમે આખું ગામ ભૂખ હડતાલ કરીશું.
આ બાબતે તિલકવાડા ટીડીઓ ડી.જી.પટેલે જણાવ્યું હતું કે માંગુ ગામે જે ઘટના બની એ અંગે મેં આસી.ટીડીઓને તપાસ સોંપી છે.જેટલા પણ જોબકાર્ડ હતા કામગીરી છે એમના મસ્ટરો ચેકીંગ કરી ક્યાં ભૂલ થઈ છે,કોની ભૂલ થઇ છે એ તમામ બાબતો ની તપાસ કરી છે.જે પણ કસૂરવાર હશે તેની સામે પગલાં ભરવામાં આવશે
માંગુ ગામે મનરેગા કામમાં રૂપિયા કામ કરેલા વ્યક્તિની જગ્યાએ અન્યને આપી દેવાયાની ઘટના બાદ વિવાદ થયો હતો.તો બીજી બાજુ ગ્રામજનોમાં રોષ પણ ઉઠ્યો હતો.આ ઘટના બાદ તુરંત તલાટીની કોયારી ગામે બદલી થઈ હતી.તો શું માંગુની ઘટના બાબતે તલાટીની બદલી થઈ છે?.હવે ટીડીઓ કોની બદલી કરશે?સરપંચ પર શુ કોઈ પગલાં ભરાશે આવા અનેક પ્રશ્નો હાલ ચર્ચાઈ રહ્યા છે.