વિશાલ મિસ્ત્રી રાજપીપળા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના માંગુ ગામમાં મનરેગા યોજના હેઠળ કામ કરેલ વ્યક્તિની જગ્યાએ અન્ય ભળતા વ્યક્તિઓને નાણાં ચૂકવી દેવાયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.અને આ મામલે ગ્રામજનોએ સ્વાગત ઓન લાઈન ફરિયાદ કાર્યક્રમમાં રજુઆત કરતા ખુદ જિલ્લા કલેકટર ચોકી ઉઠ્યા હતા.તો બીજી બાજી આ મામલે ગ્રામજનોએ થોડા દિવસો અગાઉ તિલકવાડા તાલુકાના ટીડીઓને પણ રજુઆત કરી હતી.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામજનોએ મનરેગા યોજના હેઠળ થયેલા કામોના નાણાં મળવા પાત્ર વ્યક્તિઓની જગ્યાએ ભળતા જ વ્યક્તિઓને ચૂકવી દીધા હોવાનો આક્ષેપ કર્યો છે.આ મામલે ટીડીઓને રજુઆત બાદ પણ તપાસ મંથરગતિએ ચાલતી હોવાથી અને આર.ટી.આઈ કાયદા હેઠળ માહિતી આપવામાં તંત્ર દ્વારા અખાડા કરતા ગ્રામજનોએ કંટાળીને સ્વાગત ઓન લાઈનમાં ફરિયાદ કરી છે.ત્યારે ગત 28/12/2017 ના દિવસે સ્વાગત ઓન લાઈન કાર્યક્રમમાં નર્મદા કલેકટરે અરજદાર અને ટીડીઓને હજાર રાખ્યા હતા.માંગુ ગામના ગ્રામજનોની રજુઆત મુજબ મનરેગા યોજનામાં જે મજૂરોએ કામ કર્યું હતું તેમના સિવાયના લોકોની સરપંચ અને તલાટીએ હાજરી પુરી એમના ખાતામાં નાણાં જમા કરાવી દીધા હતા.આ મામલે તાલુકા પંચાયત દ્વારા સ્વાગત ઓન લાઈન કાર્યક્રમમાં બે હાજરીના મસ્ટરો પણ રજુ કરાયા હતા.આ બોગસ મસ્ટર હોવાના આક્ષેપ સાથે માંગુ ગામના જાગૃત નાગરિક મહેન્દ્ર બારીયાની આગેવાનીમાં ગ્રામજનો નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાને લેખિતમાં રજુઆત કરી હતી.ત્યારે ગરીબોના નાણાં હડપ કરનારા કર્મચારી સામે પગલાં ભરવા તિલકવાડા ટીડીઓ સાથે પી.ડી.વસાવાએ ટેલીફોનિક વાત કરી હતી.અને જો અરજદારોને ન્યાય નહિ મળે તો આ પ્રશ્ન તેઓ વિધાનસભામાં ઉઠાવશે એવી પી.ડી.વસાવાએ ચીમકી આપતા નર્મદા જિલ્લાના વહીવટીતંત્રમાં દોડધામ મચી છે.હવે આ મામલે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ક્યારે અને શું નિર્ણય લે છે એ તો સમય બતાવશે.