વિશાલ મિસ્ત્રી
વર્ષ 2002માં ગુજરાતના તત્કાલીન સીએમ મોદીના હસ્તે લોકાર્પણ પામેલ રંગ સેતુ પુલનું 15 વર્ષમાં 3 વાર મેન્ટેનન્સ એ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે.
એપ્રિલ 2017માં સમારકામ માટે બંધ કરાયેલો રંગ સેતુ પુલ સમય અવધિ વીતી ગયા છતાં ચાલુ ન થતા અપડાઉન કરતા નોકરિયાત અને ધંધાદારીઓને હાલાકી,40 કિમીનું અંતર વધી જતાં સમયનો પણ વેડફાટ.
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી ગંભીર બીમારી વ્યક્તિને સારવાર માટે રાજપીપળામાં જ લાવતો હોય છે.જો રાજપીપળામાં એ વ્યક્તિની સારવાર શક્ય ન હોય તો ડોકટર એને વડોદરા જ રીફર કરતા હોય છે.પણ જે તે સમયે રાજપીપળાથી વડોદરા જવા 2 થી 3 કલાકનો સમય લાગતો હોવાથી આવા ગંભીર કેસોમાં દર્દી અધવચ્ચે જ મોતને ભેટ્યો હોવાના કિસ્સાઓ પણ બન્યા છે.તો આવા કિસ્સાઓમાં દર્દીનો જીવ બચે અને રાજપીપળાથી વડોદરા અપડાઉન કરતા લોકોનો સમય અને પૈસાની બચત થાય એ હેતુથી વર્ષ 2002 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજપીપળા-વડોદરાને જોડતા શ્રી રંગ સેતુ પુલનું લોકાર્પણ કરાયું.આ પુલ બની જતા રાજપીપળાથી વડોદરા જવા લગભગ 40 કિમીનું અંતર પણ ઘટી ગયું.
પણ વર્ષ 2002માં લોકાર્પણ પામેલા આ રંગ સેતુ પુલને એપ્રિલ 2017 માં સમારકામ માટે બંધ કરાયો હતો.જો કે આ પેહલા પણ 2 થી 3 વખત સમારકામ માટે આ પુલ બંધ કરાયો હોવાનું પણ જાણવા મળે છે.હવે સમય અવધિ વીતી ગઈ હોવા છતાં આ પુલનું સમારકામ ચાલી રહ્યું છે એનો જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન છે.અને 2002 થી અત્યાર સુધી 2 થી 3 વખત જો આ પુલનું સમારકામ કરવું પડે એ ભ્રષ્ટાચારની ચડી જરૂર ખાય છે.હવે અત્યારે તો સરકારના વાંકે અત્યારે રોજે રોજ હજારો મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.રાજપીપળાથી વડોદરા વચ્ચે અપડાઉન કરતા નોકરિયાતો અને ધંધાદારીઓને સમય કરતાં વહેલા નીકળવું પડે છે અને ઘરે તો સમય કરતાં મોડા જ પહોંચે છે.સરકારી એસટી બસ 40 કિમિ વધારે ફેરો મારીને જતી હોવાથી બસ ભાડું પણ ગરીબ પ્રજાએ વધુ ચૂકવવું પડે છે.વળી અત્યારે પુલ પર ડામાંરિંગનું કામ ચાલતું હોવાથી તથા પુલના એક છેડેથી બીજે છેડે કોમ્યુનિકેશનના અભાવે ટ્રાફિકની સમસ્યાતો છાશવારે ઉભી થાય છે.આ પુલ ચાલુ કરાવવા માનવતાની દ્રષ્ટિએ નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ રસ દાખવતું નથી કે વડોદરા જિલ્લા વહીવટીતંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.હવે આ પુલનો ધણી કોણ એ એક મોટો પ્રશ્ન છે.રંગ સેતુ પુલ બંધ થયો અને સમય અવધિ વીતી ગયા બાદ આજ કાલ કરતા કરતા 9 મહિના વીતી ગયા છતાં પણ સમારકામ પૂરું જ થતું નથી.જેટલો સમય આ પુલના સમારકામને થયો એટલા સમયમાં અને સમારકામ પાછળ જેટલા રૂપિયા ખર્ચાયા એટલા રૂપિયામાં એક બીજો નવો પુલ ઉભો થઈ જાય એમ કહીએ તો ખોટું નથી.બીજી બાજુ વડોદરા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આ પુલ જાન્યુઆરી 2018ના અંતમાં ચાલુ થશે એવું જણાવી રહ્યા છે.ત્યારે આ પુલ ચાલુ થશે કે કેમ એ પ્રશ્ન પ્રજાને સતાવી રહ્યો છે.
આ બાબતે વડોદરા જિલ્લાના ડભોઇ માર્ગ અને મકાન વિભાગના અધિકારી ગઢવીએ જણાવ્યું હતું કે પુલ પર ડામાંરિંગનું કામ 20 થી 22 દિવસમાં પૂરું થઈ જશે.ત્યાર બાદ ગાંધીનગરની એક ટિમ ઇન્સ્પેકસન કરશે અને એમનાં રિપોર્ટ બાદ આ પુલ ચાલુ થશે.લગભગ જાન્યુઆરી 2018ના અંતમાં આ પુલ ચાલુ થશે.ઓવરલોડ વાહનોથી આ પુલને નુકશાન થતું હોવાથી આ પુલ ચાલુ થયા બાદ ઓવરલોડેડ વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવશે.ડિઝાઇન વાળાએ ડિઝાઇન રિવાઇઝ કરી અને રોડ પર ડામાંરિંગના કામને લીધે સમય વધુ લાગ્યો.આ પુલ પરના 10 સ્પાન પર બેરિંગ બદલવાનું કામ પૂર્ણ થયું છે.
શ્રી રંગ સેતુ પુલના નિર્માણ બાદ 15 વર્ષમાં જ 2-3 વખત એનું સમારકામ થયું છે.ત્યારે આ પુલમાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તા પર મોટો સવાલ ઉભો થાય છે.વળી જે તે સમયે આ પુલના નિર્માણ કાર્ય માટેની એજન્સી અને સરકારી અધિકારીઓ વચ્ચે કોઈ સાંઠ ગાંઠ તો નહોતી એ મામલે નિષ્પક્ષ તપાસ કરવા લોક માંગ ઉઠી છે.