વિશાલ મિસ્ત્રી
બહુલ આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ સંચાલિત રાજપીપલા એસ.ટી. ડેપો દ્વારા જિલ્લાના જુદા જુદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આમ જનતાને મુસાફરી માટે પુરી પડાતી બસ સેવાના નિયત કરાયેલ શીડ્યુલ સિવાયના એટલે કે પિક અવર્સ સિવાયના સમયગાળા દરમિયાન લાંબાગાળા સુધી બસ સુવિધા ઉપલબ્ધ ન હોય કે નહિવત હોય ત્યાં ઓડ અવર્સમાં પણ જિલ્લાનાં જરૂરિયાતવાળા વિસ્તારમાં લોકો ઇ-રીક્ષાનો ઉપયોગ કરીને તેમના સમયના વ્યયને અટકાવવાની સાથોસાથ સ્વસહાય જૂથની બહેનો સ્વરોજગારી મેળવી શકે તેવા હેતુસર રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ગ્રામીણ પરિવહન યોજનાને નર્મદા જિલ્લામાં કાર્યાન્વિત કરવાનું જિલ્લા વિકાસ અધિકારી અને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ ડૉ.રણજીતકુમાર સિંહે બીડુ ઝડપ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ.રણજીતકુમાર સિંહના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લાની ધોરણ- ૧૨ પાસ સ્વસહાય જૂથની બહેનો કે જેઓ ઇ-રીક્ષા (બેટરી સંચાલિત ઇલેક્ટ્રોનિક રીક્ષા) ચલાવવામાં રસ ધરાવતી હોય તેવી બહેનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.જિલ્લાનાં મિશન મંગલમના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તેમજ ક્લસ્ટર કો.ઓર્ડિનેટર દ્વારા તેમના વિસ્તારના ગામોમાંથી આ પ્રકારની બહેનોની અરજીઓ એકત્રિત કરીને જિલ્લાકક્ષાએ મોકલી આપવા પણ સૂચના અપાઇ છે.
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ સંચાલિત રાજપીપલા એસ.ટીના ડેપો મેનેજર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને બરોડા સ્વરોજગાર સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર હાથ ધરાનારા આ ઇ-રીક્ષા પ્રોજેક્ટ અન્વયે રીક્ષા દ્વારા સ્વરોજગારી મેળવવા માંગતી સ્વ.સહાય જૂથની બહેનોને રાજ્ય સરકારના ખર્ચે રાજપીપલામાં કાળીયાભૂત નજીક, બેંક ઓફ બરોડાના મેડા ઉપર રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટ્યુટ દ્વારા એક માસની રહેવા જમવાની સુવિધા સાથે તાલીમ અપાશે. ત્યારબાદ આવી બહેનોને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત ધિરાણ સહાય-સુવિધા ઉપલબ્ધ કરાશે, જેમાં લાભાર્થીએ કોઇપણ પ્રકારનું રોકાણ કરવાનું રહેશે નહી. આ યોજનામાં ૬૦ ટકા લોન અને ૪૦ ટકાની સહાયની જોગવાઇ રહેલી છે.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ.રણજીતકુમાર સિહે વધુમાં ઉમેર્યું હતું કે, રાજપીપલા એસ.ટી. ડેપો દ્વારા આ યોજનાની વહિવટી કામગીરી કરાશે. જ્યારે તેનું અમલીકરણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા થશે.જેથી જિલ્લાનાં તમામ તાલુકાના ચોક્કસ વિસ્તારોમાં પીક-અવર્સ સિવાયના ઓડ અવર્સમાં પરિવહનની જરૂરીયાત હોય તેવા વિસ્તારોનો રૂટ સર્વે હાથ ધરાશે અને તે મુજબના રૂટ વિસ્તારોમાં સ્વસહાય જૂથની બહેનો મારફત ઇ-રીક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાશે. આમ, આગામી ટૂંક સમયમાં નર્મદા જિલ્લામાં એક નવી પહેલ દ્વારા સ્વસહાય જૂથની બહેનોને સ્વરોજગારી પુરી પાડવાની સાથોસાથ સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ કે આમ પ્રજાને પરિવહન માટે ઓડ અવર્સમાં અવરજવરની સુવિધામાં પડતી મુશ્કેલીઓમાં સહાયરૂપ થવાનો જિલ્લા વહિવટીતંત્રનો એક નમ્ર પ્રયાસ રહેશે.