સંસ્કૃતિ અને સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલના લગ્નજીવનને ૫૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે “બચપન ઔર પચપન – અવસર ઔર ચુનોતીયા” વિષયને કેન્દ્રમાં રાખીને નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત બે દિવસીય મંથન શિબિરનો આજે શુક્રવારે પ્રારંભ થયો હતો.
આ ચિંતન શિબિરના ઉદઘાટન સત્રમાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ તેમના ધર્મપત્ની શ્રીમતી પાના દેવી, પોતાની જીવન યાત્રાના ૧૦૦ મા વર્ષમાં પ્રવેશ કરનાર અને પોતાના લગ્ન જીવનની ૭૮ મી વર્ષગાંઠ મનાવી રહેલા રાજસ્થાની પરિવારના રામકિશોર શર્મા અને પત્ની શ્રીમતી સંતોષ દેવીજી, જાણીતા લેખક-કોલમિસ્ટ અને મોટિવેશનલ સ્પીકર નંદિતેશ નિલેએ ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય થકી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.
બે દિવસીય ચિંતન શિબિરનો હેતુ સમજાવતા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, ભારત દેશ દરેક પ્રકારના વિકાસ-સુખાકારીના માપદંડોમાં આગળ વધી રહ્યું છે. ત્યારે હેપિનેશ ઈન્ડેક્ષમાં વધુ સુધારો લાવી વિશ્વમાં તેમાં પણ નવો કિર્તિમાન સ્થાપિત થાય તેવા શુભ આશય સાથે આ કાર્યશિબિર યોજાઈ છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં લગ્નને મહત્વના સંસ્કારનો દરજ્જો મળ્યો છે ત્યારે આજની ભાગદોડ ભરી જિંદગીમાં તેને વધુ મજબુત બનાવી ભારતીય જીવન શૈલીને વધુ પારિવારિક અને સુખમય બનાવી શકાય, લગ્ન જીવનમાં આવતી મુશ્કેલીઓને સરળતાથી નિવારી પોલીસ-કોર્ટ સુધી ન જતાં વર્તમાન સમયમાં થઈ રહેલી સમસ્યાઓના પરિબળોને સમજી લગ્નજીવનને કેવી રીતે ટકાવી શકાય તે અંગે ચિંતન કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.
આ શિબિરના આયોજન માટે એકતાનગર-કેવડિયાની પસંદગી કરવા પાછળનું કારણ દર્શાવતા વધુમાં કેન્દ્રિય મંત્રી મેઘવાલે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણને સૌને એકતાની પ્રેરણા આપે છે તેમની વિશાળ પ્રતિમાના સાનિધ્યમાં એકતાનગરના આંગણે પોતાના લગ્નજીવનના ૫૫ વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે તેવા દંપતી અને જેમણે લગ્નજીવનની હમણાંજ શરૂઆત કરી છે તેવા ૫૫ નવયુગલો મળીને મનન-ચિંતન કરવાના છે. લગ્નજીવનમાં આવતા ઉતાર ચઢાવ અને તેમાંથી પસાર થઈ સુમેળભર્યું લગ્નજીવન કેવી રીતે ટકાવી શકાય તે માટે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ કરવામાં આવનાર છે તેમ વધુમાં ઉમેર્યું હતું.
ચિંતન શિબિરના ઉદઘાટન સત્રમાં જાણીતા લેખક-કોલમિસ્ટ અને મોટિવેશનલ સ્પીકર નંદિતેશ નિલેએ ઉપસ્થિત તમામ દંપતીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આ મંથનનો કાર્યક્રમ થઈ રહ્યો છે તેનો મુખ્ય હેતુ ભારતના પરિવારો એક થઈને રહે, ભારતમાં જે યુવાન દંપતી છે તેઓ કેવી રીતે એકબીજા સાથે પ્રેમભાવથી સાથે રહી શકે. એકતાનગરની જે ભૂમિ છે તે આપણને એકતાનો સંદેશો આપે છે અને તેના કારણે જ આ સ્થળની પસંદગી આ કાર્યક્રમ માટે કરવામાં આવી છે. આ ભૂમિ ક્યાંક ને ક્યાંક પરિવારની એકતા ઉપર પણ ભાર મૂકી રહી છે. પરિવારની એકતા જ એકમાત્ર એવું માધ્યમ છે જે સમાજની એકતામાં મદદરૂપ થઈ શકે અને સમાજની એકતા જ રાષ્ટ્રીય એકતા બની શકે છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, હાલમાં આપણે જે પ્રકારના યુગમાંથી પસાર થઈ રહ્યા છે તેના સંદર્ભે આ ખૂબ સારી પહેલ છે. વર્તમાન જીવન શૈલીમાં અનેક પ્રકારના તણાવ અને મુશ્કેલીઓ રહેલી છે. ઘણા પ્રશ્નો પણ છે, જેમનો લોકોને જવાબ નથી મળી રહ્યો અને તેથી જ આવા કાર્યક્રમો અને મંથન થકી માત્ર એક વ્યક્તિના ફાયદા માટે કે એક દંપતિ-સમાજના ફાયદા માટે નહીં પરંતુ સમગ્ર દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ઉત્તમ રસ્તો બની શકે છે. સરદાર વલ્લભભાઈ પટેલની પણ એક વિચારધારા હતી જેને આગળ ધપાવતા આપણે સૌ એક રહી “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના નિર્માણ તરફ આગળ વધીએ અને એકતાને હંમેશા આગળ વધારવામાં પ્રયત્નશીલ રહીએ તેવી સૌને અપીલ કરી હતી.
આ બે દિવસીય શિબિરમાં સમગ્ર ભારતભરમાંથી ૫૫ એવા યુગલો કે જેઓના લગ્નજીવનને ૫૫ વર્ષ પૂર્ણ થયા છે તેઓ અને ૫૫ એવા યુગલ કે જેઓના લગ્નજીવનની શરૂઆત અથવા ૦૧ (એક) વર્ષ પૂર્ણ થયું હોય તેવા દંપતી ભાગ લઈ રહ્યા છે. આ શિબિરમાં યુએસ, કેનેડા, ઈંગ્લેન્ડ, ઈન્ડોનેશિયા સહિતના દેશોમાંથી પણ દંપતિ જોડાયા હતા. ૨ દિવસમાં ૪ જેટલા સેશનમાં અલગ અલગ વિષયો પર ચિંતન-મનન કરવામાં આવનાર છે.
આરીફ જી કુરેશી : રાજપીપળા