(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)
ગુજરાત વિધાનસભાના પરિણામો આ વખતે કોંગ્રેસ માટે છેલ્લા 25 વર્ષોના હિસાબે સારા આવ્યા છે.વિધાનસભા પહેલા ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન સારું હતું.હવે કોંગ્રેસના આવા સારા દિવસો પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકી બેઠા પછી જ આવ્યા એમ કહીએ તો જરાય ખોટું નથી.બીજી બાજુ ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ પ્રદેશ કક્ષાએથી ભરતસિંહ અને એમના કહેવાતા માણસો વિરુદ્ધ અનેક મુદ્દે ફરિયાદો હાઇકમાન્ડ સુધી પહોંચી હતી.હવે ભરતસિંહના વિરોધીઓ પણ ભરતસિંહનું પત્તુ ક્યારે કપાય એની જ કાગડોળે રાહ જોઇને બેઠા હતા.એવામાં જ ભરતસિંહે પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન રાહુલ ગાંધીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાના સમાચારો વહેતા થયા. ભરતસિંહે તો આ સમાચારને અફવા ગણાવી હતી.પણ આ સમાચારથી વિરોધીઓમાં તો ખુશીનો પાર ન રહ્યો.
તો બીજી બાજુ ભરતસિંહને હાઇકમાન્ડનું તેંડુ આવ્યું.દિલ્હી સોનિયા ગાંધી અને એહમદ પટેલ સાથે મુલાકાત કરી આગામી પ્રમુખ તરીકે અમિત ચાવડા,કુંવરજી બાવડીયા અને જગદીશ ઠાકોરના નામો ભરતસિંહે સૂચવ્યા હોવાની પણ વાતો વહેતી થઈ.આ ઘટનાક્રમ બાદ જ્યારે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના આગામી પ્રમુક તરીકે આ જ ત્રણ નામો પૈકીના એક અમિત ચાવડાની નિમણૂક કરી ત્યારે ભરતસિંહના વિરોધીઓના મોઢામાં આંગળા આવી ગયા.હવે અમિત ચાવડા ભરતસિંહના સાગા મામાના દિકરા થાય એટલે ભરતસિંહ સોલંકીની વિદાય બાદ અમિત ચાવડાને પ્રમુખ પદ સોંપવું એનો મતલબ પ્રમુખ તરીકે ખાલી માથું જ બદલાયું,પાછલા બારણે દોરી સંચાર તો ભરતસિંહ જ કરશે? એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું.આમ જોવા જઈએ તો અમિત ચાવડાને પોતાના સ્થાને પ્રદેશ પ્રમુખ બનાવી ભરતસિંહે પણ હાઈકમાન્ડમાં પોતાની વગ હોવાની સાબિતી આપી દીધી એટલે વિરોધીઓની તો મનની મનમાં જ રહી ગઈ.આમ અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસનો નાથ બનાવવા પાછળ જરૂર ભરતસિંહનો જ હાથ હોઈ શકે એવું રાજકીય પંડિતોનું માનવું છે.