(વિશાલ મિસ્ત્રી રાજપીપલા:)
નર્મદા જિલ્લામાં 139 જેટલા કનેક્ટિવિટી વગરના ગામોને શેડો એરિયા તરીકે જાહેર કરાયા છે.આ નોન-કનેક્ટિવિટી નર્મદા જિલ્લાના વિકાસ માટે આડસ રૂપ છે.ત્યારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના પ્રયાસો થકી 139 જેટલા ગામોનો સંપર્ક બને એ માટે સાથે જોડાવા 280 જેટલા હેમ રેડિયો વોકીટોકીનો ઉપયોગ કરવાના પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે.જે માટે સોમવારે નર્મદા જિલ્લા પોલીસ તાલીમ ભવન જીતનગર ખાતે 500 જેટલા GRD, SRD NRD રક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.જેમાં જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા,એ.એસ.પી.અચલ ત્યાગી,ડિવાયએસપી રાજેશ પરમાર સહીત જિલ્લા પોલીસ સ્ટાફ સાથે જેમણે તાલીમ આપી હતી એવા નિવૃત એડિશનલ કલેક્ટર ડો.જગદીશ પંડ્યા હાજર રહ્યા હતા.
નર્મદા જિલ્લાના ભૌગોલિક વિસ્તારનો 44 ટકા વિસ્તાર જંગલ વિસ્તાર છે. આ જીલ્લામાં સાતપુડા અને વિંધ્યાચલ ગિરિમાળાઓ પણ આવેલી છે.ત્યારે 550 થી વધુ ગામડાઓ અને 5.90 લાખની વસ્તી ધરાવતો આ જીલ્લાને પ્રવાસન ધામ તરીકે રાજ્ય સરકારે જાહેર કર્યો છે.પરંતુ શુલપાણેશ્વર અભિયારણને કારણે આ વિસ્તાર વિકાસથી વંચિત છે અને આમ જોઈએ તો 139 જેટલા ગામોમાં કનેકટીવીટીનો પ્રાણ પ્રશ્ન છે.ત્યારે અતી અંતરિયાળ એવા આ 139 જેટલા ગામોમાં તો સંપર્ક કેવી રીતે કરવો એ એક પ્રશ્ન હતો.ત્યારે વહીવટી તંત્ર માટે પણ આ મોટી સમસ્યા હતી.આ સમસ્યા નિવારવા માટે નર્મદા પોલીસે હેમ રેડિયો નામનો એક નવો અભિગમ અપનાવ્યો છે.નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા 139 નોન-કનેક્ટિવિટી ધરાવતા ગામોમાં જીઆરડીના જવાનો,એસઆરડીના જવાનો અને પોલીસ જવાનોને તૈનાત કરી દરેક ગામમાં બે આવા હેમ રેડીઓ આપવામાં આવશે. જેથી શેડો એરિયામાં થતા અકસ્માત અથવા અન્ય બનાવોમાં આ જવાનો તંત્ર સાથે સીધા સંપર્કમાં રહીને તંત્રનું કામ આસાન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવા હેમ રેડીઓનો ઉપયોગ અસ્થાયી રૂપે કેટલાક મોટા ડિઝાસ્ટર કે મોટા અકસ્માત સમયે થાય છે.પરંતુ આટલી મોટી સંખ્યા માં કોઈ એક જિલ્લામાં આવા હેમ રેડીઓ કે વોકી ટોકીનો ઉપયોગ થતો હોય તેવો આ પહેલો જિલ્લો હોવાનું નર્મદા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા જણાવે છે.હેમ રેડીઓ ખુબજ આશીર્વાદ રૂપ સાબિત થશે કેમકે તેમના વિસ્તારમાં મોબાઈલ નેટવર્કના આવતું હોવાથી તંત્ર સાથે સીધા સંપર્કમાં હોવાનું આ હેમ રેડીઓ જે વાપરવાના છે તે પોલીસ મહિલા પણ મને છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં સૌથી વધુ જંગલ અને પહાડી વિસ્તાર છે.ત્યારે આ જિલ્લાના ગામોમાં કનેક્ટીવીનો મોટો પ્રશ્ન છે.જો કનેક્ટિવિટીની વ્યવસ્થા કરીએ તો આ ગામોમાં જરૂરી તમામ વિકાસના કામો થાય માહિતી મોકલી શકાય.અથવા આ ગામોમાં કોઈ ઘટના બને,આકસ્માત સર્જાય તો પણ ત્યાંના લોકોને તાત્કાલિક મદદ જોઈએ તો મળી શકતી નહોય તે મળી શકે.જેથી આ પ્રોજેક્ટ કેંદ્રસરકારના કોમ્યુનિકેશન વિભાગ મારફતે કરવામાં આવી રહ્યો છે. જેનાથી ઘણો ફાયદો થશે.