વિશાલ મિસ્ત્રી રાજપીપલા
સાગબારા તાલુકાના પાટ અને જાવલીની બ્રાન્ચ પોસ્ટ ઓફિસના બે પોસ્ટમાસ્તરોએ ગ્રાહકોના 17,750/- રૂપિયા,જયારે ડેડીયાપાડાના કાકરપાડા બ્રાન્ચ પોસ્ટના પોસ્ટ માસ્તરે 23,300/- રૂપિયાની ઉચાપત કરતા ફરિયાદ દાખલ.
:નર્મદા જિલ્લાની સાગબારા પોસ્ટ ઓફિસના 2 અને ડેડીયાપાડાની પોસ્ટ ઓફિસોનો 1મળી કુલ 3 પોસ્ટ મસ્તરોએ ગ્રાહકોના 41 હજાર રૂપિયા અંગત કામોમાં વાપરી ગ્રાહકોના ખાતામાં જમા નહિ કરાવતા આ મામલે એમની વિરુદ્ધ જે તે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.પોસ્ટ માસ્તરોએ ગ્રાહકોના રૂપિયા ચાંઉ કર્યા હોવાનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
મળતી માહિતી મુજબ સાગબારાના પાટ બ્રાન્ચના પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા આસિમઅલી.એમ.મકરાણીએ 2008 થી 2014 ના વર્ષ દરમિયાન 5 ગ્રાહકોના ખાતામાંથી 8050/- રૂપિયા તથા જાવલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર કાન્તિ પોસલીયા વલવીએ 3 ગ્રાહકોના 9700 રૂપિયા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખી સરકારી નાણાંની ઉચાપત કરી હતી.જ્યારે ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી પોસ્ટના કાકરપાડા પોસ્ટના બ્રાન્ચ પોસ્ટ માસ્તર શંકર જેઠા વસાવાએ 2006 થી 2008 ના વર્ષ દરમિયાન 29 જેટલા ગ્રાહકોના 23,300/- પોતાના અંગત ઉપયોગ માટે વાપરી સરકારી નાણાંની ઉચાપત કરી હતી.આમ જિલ્લાના પોસ્ટ મસ્તરોએ ગ્રાહકોના 41 હજાર રૂપિયા ચાઉં કર્યા હોવાનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
આ બન્ને મામલા રાજપીપળા વિભાગના પોસ્ટ ઇન્સ્પેકટર જનકસિંહ પરમારને ધ્યાને આવતા આસિમઅલી.એમ.મકરાણી અને કાન્તિ પોસલીયા વલવી વિરુદ્ધ સાગબારા અને શંકર જેઠા વસાવા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.