(વિશાલ મિસ્ત્રી રાજપીપલા )
અકતેશ્વર પ્રા.શાળામાં ગ્રામ પ્રેરક તરીકે ફરજ બજાવતા હંસા તડવી અને સુમિત્રા તડવી પાસે 9 માસના પગારની ચુકવણી પેટે મુ.શિક્ષક અને સરપંચે પગારના 50% રકમની માંગણી કરી હતી.
:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર પ્રાથમિક શાળામાં ગ્રામ પ્રેરક તરીકે ફરજ બજાવતી બે મહિલાઓ પાસે શાળાના મું.શિક્ષક અને ગામના સરપંચે 9 માસના પગારની ચુકવણી પેટે 50% રકમની લાંચની માંગ કરી હતી.બાદ એમાંની એક મહિલાએ આ મામલે નર્મદા ACB માં બન્ને વિરુદ્ધ ફરિયાદ કરતા ACB ના છટકામાં મુ.શિક્ષક અને ગામનો સરપંચ 17 હજારની લાંચ લેતા ગરૂડેશ્વર બસ સ્ટેન્ડ પાસે રંગે હાથ ઝડપાઇ ગયા હતા.ACB નર્મદાએ બન્નેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સાંજરોલી ગામની હંસા મનહર તડવી અને સુમિત્રા તડવી વર્ષ 2012 થી માસિક 2000 પગાર પર અકતેશ્વર પ્રા. શાળામાં ગ્રામ પ્રેરક તરીકે ફરજ બજાવતા હતા.હવે હંસા તડવીના ફેબ્રુઆરી 2017થી ઓક્ટોબર સુધી કુલ 9 માસના 18,435 તથા સુમિત્રા તડવીના 8 માસના 16,435 રૂપિયા પગાર પેટે બાકી નીકળતા હતા.હવે આ પગારના ચેક પર પ્રા.શાળાના મુ.શિક્ષક અને ગામના સરપંચની સહી થતી હોવાથી મુ.શિક્ષક ગોવિંદ સબૂર સોલંકી અને સરપંચ દિપક સુરેશ તડવીએ બન્ને મહિલા ગ્રામ પ્રેરક પાસેથી પગાર ચુકવણીના 50% રકમની લાંચ માંગી હતી.આ મામલે હંસા તડવીએ બન્ને વિરુદ્ધ નર્મદા ACB માં ફરિયાદ કરતા ACB એ છટકું ગોઠવ્યું હતું.દરમીયાન મુ.શિક્ષક અને સરપંચ હંસા તડવી પાસેથી 9 હજાર રૂપિયા અને સુમિત્રા તડવી પાસેથી 8 હજાર રૂપિયાની લાંચ લેતા ACB ના છટકામાં ગરૂડેશ્વર બસ સ્ટેન્ડ પાસે ઝડપાઇ ગયા હતા.બાદ નર્મદા ACB પીઆઇ આર.એન.રાઠવા સહિતની ટીમે બન્ને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.