(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)
ગરૂડેશ્વર પોલીસે 5.50 લાખની 500ની જૂની નોટો,50 હજારની 20ની નોટોના બંડલ જપ્ત કરી રાજપીપળા સોનીવાડના કિશન ચીમન ભટ્ટ,ધર્મેન્દ્ર અંબાલાલ ગાંધી તથા ગરૂડેશ્વરના વિનોદ લાલજી તડવી વિરુદ્ધ કાર્યવાહી.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એક ખેતર પાસે કેવડિયા પોલિસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં 7 લોકોને જોતા તેમની પૂછતાછ હાથ ધરી હતી.પૂછતાછ દરમિયાન એમને એ ગાડીમાંથી 5.50 લાખની 500ની જૂની ચલણી નોટોનું બંડલ અને 50 હજાર રૂપિયાની 20ની નોટોનું બંડલ મળી કુલ 6 લાખ રૂપિયાની સાથે તાંત્રિક વિધિનો સામાન મળી આવ્યો હતો.પૂછતાછમાં આ રૂપિયા તાંત્રિક વિધિથી ડબલ કરવા અહીંયા આવ્યા હોવાનું એમણે કબૂલ્યું હતું.બાદ પોલીસે એમની પાસેથી 6 લાખ રૂપિયા,તાંત્રિક વિધિ માટે એક નાળિયેર,ચૂંદડી,બંગડી સહિત અન્ય સમાન જપ્ત કરી 3 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ડીવાયએસપી અચલ ત્યાગી,પીએસઆઈ એમ.બી.વસાવા સહિત અન્ય પોલીસ કર્મીઓ મંગળવારે પેટ્રોલિંગમાં હતા.દરમિયાન એમને ખડગડા રોડ પર અજાણ્યા ખેતર પાસે એક ગાડી સાથે 7 અજાણ્યા લોકોને શંકાસ્પદ હાલતમાં જોયા હતા.બાદ પોલીસે એમની ગાડીમાં ધનિષ્ઠ તપાસ હાથ ધરી હતી.ત્યારે એમાંથી 5.50 લાખ રૂપિયાની 500 રૂપિયાની જૂની નોટોનું બંડલ,50 હજાર રૂપિયાની 20 રૂપિયાની નોટોનું બંડલ તથા 2000 રૂપિયાની એક નોટ મળી કુલ 6 લાખ રૂપિયા મળી આવ્યા હતા.એની સાથે તાંત્રિક વિધિ માટે એક નાળિયેર,ચૂંદડી,બંગડી સહિત અન્ય સમાન મળી આવ્યો હતો.પોલીસ પૂછતાછમાં તાંત્રિક વિધિથી આ તમામ રૂપિયા એક ના ડબલ કરવા અહીંયા ભેગા થયા હોવાનું 7 લોકોએ કબુલ્યું હતું.બાદ ગરૂડેશ્વર પોલીસે 6 લાખ રૂપિયા,તાંત્રિક વિધિનો સમાન જપ્ત કરી 7 લોકોને ડિટેન કર્યા હતા.
આ બાબતે ગરૂડેશ્વર ડીવાયએસપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગમાં ખડગડા ગામ પાસે આ મામલો સામે આવ્યો હતો.એક બાબા દુર્લભ સિક્કો લઈને તાંત્રિક વિધિથી ડબલ રૂપિયા કરવા આવવાના હોવાથી આ લોકો એની રાહ જોઇને ઉભા હોવાનું પૂછતાછમાં બહાર આવ્યું છે.એ તાંત્રિક બાબાની શોધખોળ ચાલુ છે.આ તમામ લોકોની 41D હેઠળ અટકાયત કરાઈ છે.એમની પાસેથી જપ્ત કરેલા 6 લાખ રૂપિયા મામલે ઇનકમટેક્સ વિભાગને જાણ કરાશે.આ મામલે રાજપીપળા સોનીવાડના કિશન ચીમન ભટ્ટ,ધર્મેન્દ્ર અંબાલાલ ગાંધી તથા ગરૂડેશ્વરના વિનોદ લાલજી તડવી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ છે.