(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)
તિલકવાડાના છત્રપુરા ગામની રુવેલ નદી પાસે ક્લાસિક નેટવર્ક પ્રા.લિ દ્વારા ફોરલેન રોડના કામમાં પુલ બનાવવા એક સળિયાનું સ્ટ્રક્ચર ઉભું કરાયું હતું,દરમિયાન એક કામદાર નીચે પડતા એનું મોત થયું હતું.
તિલકવાડાના કાટકોઈ ગામ નજીક છત્રપુરા ગામની રુવેલ નદી પાસે ક્લાસિક નેટવર્ક પ્રા.લિ કંપનીનું રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.જેમાં નદી ઉપર પુલ બનાવવાના કામ માટે લોખંડના સળિયાના સ્ટ્રક્ચર પરથી એક કામદાર નીચે પડી જતા પાણીમાં ગૂંગળામણ થવાને કારણે એનું કરુણ મોત થયું હતું.તો કામદારનું મોત કંપનીની બેદરકારીને કારણે થયું હોવાનું તિલકવાડા પોલીસે તપાસ દરમિયાન તારણ કાઢી ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઈથી તિલકવાડા અને ત્યાંથી કેવડિયા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડાતા ફોરલેન રોડનું કામ ચાલી રહ્યું છે.જેમાં ક્લાસિક નેટવર્ક પ્રા.લિ કંપની દ્વારા છત્રપુરા ગામની રુવેલ નદી પાસે પુલ બનાવવાની કામગીરીમાં 20 MM અને 25 MM લોખંડના સળિયાનું 6 મીટર ઊંચું લોખંડના સળિયાનું સ્ટ્રક્ચર ઉભું કરવાનું કામ ચાલી રહ્યું હતું.દરમિયાન બુધવારે દેવગઢ બારીયાનો એક 22 વર્ષીય કામદાર મહેશ લેરા પટેલ અચાનક નીચે પડી ગયો હતો.અને સ્ટ્રક્ચર નીચે દબાઈ જવાથી પાણીમાં ગૂંગળાઈ જતા એનું મોત થયું હતું.તો આ ઘટના બાદ તિલકવાડા પોલીસે ત્યાં પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.અને તપાસને અંતે તિલકવાડા પોલીસને ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ના કર્મીઓની બેદરકારી ધ્યાને આવી હતી.બાદ ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ના સુપરવાઇર પરેશ લાલજી ભિખડીયા,એન્જીનીયર રામવિલાસ શ્રીજીતેન્દ્ર સિંગ તથા અન્ય કંપનીના જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ તિલકવાડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.