(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ પુરી થઈ ગઈ,વિધાનસભાનું એક બજેટ પણ રજૂ થઈ ગયું,મંત્રીઓ પણ નિમાઈ ગયા અને વિરોધ પક્ષે પોતાનો વિરોધ પણ ચાલુ કરી દીધો.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પત્યા પછી સરકારે કામકાજ આરંભી દીધું હોવા છતાં ચૂંટણી દરમિયાન નર્મદા જિલ્લાની 148 નાંદોદ વિધાનસભા બેઠક માટે મુકાયેલ ગાડીઓની ભાડું ચુકવવામાં તંત્ર દ્વારા અખાડા કરાઈ રહ્યા હોવાનું ખુદ ગાડીના માલિકો જણાવી રહ્યા છે.સાથે આ મામલે નર્મદા કલેકટરને પણ લેખિતમાં રજુઆત કરાઈ છે.
ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી માટે 148 નાંદોદ વિધાનસભામાં પ્રીસાઈડિંગ ઓફિસરો અને સ્ટાફને ચૂંટણીના કામ માટે લેવા મુકવા 20 જેટલી ગાડીઓને વર્ક ઓર્ડર અપાયો હતો.જેમાં ગાડી ભાડા સાથે ડીઝલના અલગથી આપવાનું ગાડી માલિકોને જણાવાયું હતું.જેનું 15 દિવસમાં વળતર ચૂકવી આપવાનું જણાવાયું હોવા છતાં આજ દિન સુધી વળતર ન ચૂકવાયુ હોવાની ગાડી માલિકોએ નર્મદા કલેકટરને લેખિતમાં રજુઆત કરી છે.એમણે પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના એક RTO અધિકારીએ એક દિવસના એક ગાડીના 2500 રૂપિયા આપવાની જે મૌખિક બાંહેધરી આપી હતી તે મુજબ જ અમને વળતર મળે એવી અમારી માંગ છે.