(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
ચાલુ વર્ષમાં એમ.પી માં ઓછા વરસાદને કારણે ગુજરાત સરકારે ખેડૂતોને 15મી માર્ચ બાદ સિંચાઈ લક્ષી પાણી ન આપવાની જાહેરાત કરી ઉનાળુ પાક ન લેવા ખેડૂતોને સૂચન કર્યું હતું.બાદ આ મામલે નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.અને સિંચાઈના પાણીની માંગ સાથે આંદોલનનો પણ સહારો લીધો હતો.પણ એમનું આંદોલન કોઈ રંગ લાવ્યું હોય એમ લાગતું નથી.અત્યારની નર્મદા ડેમની સ્થિતિ જોઈએ તો સપાટી 110.37 મીટર નીચે પહોંચી ગઈ છે.જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી નીચી સ્થિતિ કહી શકાય.હવે ડેમની સપાટી દિવસે દિવસે ઘટી રહી હોવાથી ડેમના વહીવટી તંત્ર દ્વારા ઓછા પાણીના પ્રેસરને લીધે ના છૂટકે કેનાલ હેડ પાવર હાઉહ બંધ કરવું પડ્યું છે.તો રીવર બેડ પાવર હાઉસ છેલ્લા એક વર્ષથી સદંતર બંધ જ હતું ત્યારે ડેમની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી મંગળવારની મોડી રાત્રીએ કેનાલ હેડ પવાર હાઉસ પણ બંધ કરવાનો વારો આવ્યો છે જેથી ડેમનું વીજ ઉત્પાદન પણ બંધ થવા પામ્યું છે.આમ ગુજરાતમાં પાણીની સમસ્યા બાદ ડેમના બન્ને વીજ મથકો બંધ કરી દેવતા વીજ સમસ્યા પેદા થવાના એંધાણ ને લઈને નર્મદા યોજના હાલ તો નિરર્થક સાબિત થઈ છે એમ કહેવાય.
નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત સપાટી 110.37 મીટરે પહોંચી છે. એક તરફ ડેમનું લાઈવ સ્ટોરેજ પણ પૂરું થઈ ગયું છે.તો બીજી તરફ સામે ઉનાળે ગુજરાતની પ્રજાને પીવાના પાણીનો કકળાટ ના નડે એ માટે ઇતિહાસમાં પ્રથમ વખત મંગળવારે મોડી રાત્રે ઇમરજન્સીમાં ઇરીગેશન બાયપાસ ટનલ (IBPT) મારફતે 9000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાઈ છે.IBPT માંથી લિંક ચેનલ મારફતે 4 તળાવો ભરાશે બાદ એ પાણી મુખ્ય કેનાલ મારફતે ગુજરાતભરમાં પીવા માટે પહોંચાડાશે.હવે આટલો બધો ખાલી થયેલો ડેમ ક્યારે ભરાશે એ એક મોટો પ્રશ્ન છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી 9 મિલિયન એકર ફિટ પાણી ગુજરાતને ફાળવવાનું નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ નક્કી કર્યું છે.પણ ચાલુ વર્ષે એમ.પી માં ઓછો વરસાદ થવાથી ગુજરાતને 7.5 મિલિયન એકર ફિટ પાણી ફળવાયું હતું.તો સરકારે જો ડેમનું લાઈવ સ્ટોરેજ વાપરવામાં કરકસર કરી હોત તો ગુજરાતને આ દિવસો જોવાનો વારો ન આવ્યો હોત પણ ક્યાંક ને ક્યાંક સરકારના વોટર મિસ મેનેજમેન્ટને કારણે ગુજરાતને પાણીના નુકશાન બાદ વીજળી ક્ષેત્રે પણ કરોડોનું નુકસાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
નર્મદા ડેમની સપાટી ઘટતા પીવાના પાણીની સમસ્યા ન સર્જાય એ માટે ઇમરજન્સીમાં IBPT મારફતે હાલ ડેડ સ્ટોકનું પાણી છોડવાની શરૂઆત ભલે કરાઈ.આ પાણી 15મી માર્ચ સુધી ખેડૂતોને સિંચાઇ માટે મળશે અને બાદમાં પીવા માટે.15 મી માર્ચ બાદ તો ખેડૂતોએ સિંચાઈના પાણી માટે વલખા મારવા જ રહ્યા.