કાળીભોઈ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ,ગામ લોકોએ વન વિભાગને જાણ કરી.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):રાજપીપળા નજીકના કાળીભોઈ વિસ્તારના ખેતરમાં દીપડો દેખાતા ત્યાંના ખેડૂતોમાં ભય ફેલાયો છે.જો કે આ મામલે ખેડૂતોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ પણ હરકતમાં આવી ગયું છે.
મળતી માહિતી મુજબ રાજપીપળા નજીકના કાળીભોઈ વિસ્તારના ખેતરોમાં છેલ્લા એક સપ્તાહથી દીપડો ફરી રહ્યો હોવાની વાતો સ્થાનિક ખેડૂતો ચાલી રહી હોવાથી ખેડૂતો ભયના ઓથરા હેઠળ જીવી રહ્યા હતા.પરંતુ સોમવારે એક ખેડૂતે નજર સમક્ષ પોતાના ખેતરમાં દીપડાને આરામ કરતો નિહાળ્યો હતો.બાદ એ વિસ્તારના ખેડૂતોએ આ મામલે વન વિભાગને જાણ કરતા વન વિભાગ પણ હરકતમાં આવી વન વિભાગે મારણ સાથે પીંજરું મૂકી દીપડાને પકડી પડવાની તજવીજ હાથ ધરી છે.બીજી બાજુ દીપડો પેહલા શેરડીના ખેતરોમાં અને હાલ ગરમીમાં ઠંડક મેળવવા કેળના ખેતરમાં છુપાયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.આમ તો ખેડૂતો પોતાના નિત્યક્રમ મુજબ મોડી રાત સુધી પોતાના ખેતરોમાં કામ અર્થે રોકાતા હતા પરંતુ દીપડાએ દેખા દેતા હાલ તો તેઓ સાંજ પડતાની સાથે જ પોતાના ઘરની વાટ પકડે છે.તો બીજી બાજુ દીપડો કોઈને નુકશાન કરે એ પેહલા જ વન વિભાગ દીપડાને પકડી પાંજરે પુરે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.