પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની ૧૪૫ મી જન્મજયંતિએ વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે સરદાર સાહેબની પ્રતિમાની પદપૂજા કરીને ભાવ-સભર આદરાંજિલ અર્પી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબની જન્મજયંતિની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી પ્રધાન મંત્રીશ્રીની પ્રેરણાથી કરવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રીએ સરદાર સાહેબની પ્રતિમાનું પુષ્પપૂજન કરવાની સાથે રાષ્ટ્ર શિલ્પીની ભાવવંદના કરી હતી. આમંત્રિતોને પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં રાજયની પોલીસ-અર્ધલશ્કરી દળો અને વિવિધ સુરક્ષા એજન્સીની સંસ્થાઓએ શિસ્ત અને સાહસ સભર પરેડ રજૂ કરી હતી. આ દળોએ અનોખી ધ્વજ સલામીથી પ્રધાનમંત્રીશ્રીને આદર આપ્યો હતો. રાજયની સુરક્ષા એજન્સીઓના વિવિધ ગણવેશધારી દળોએ શિસ્ત અને શૌર્યસભર આંતરરાષ્ટ્રીય પરેડ રજૂ કરી સૌને રોમાંચિત કર્યા હતા. પરેડમાં સી.આઇ.એસ.એફ., સી.આર.પી.એફ., બી.એસ.એફ., ઉપરાંત ગુજરાત પોલીસ દળોના પોલીસ બેન્ડે શૌર્યસભર સુરાવલીઓ લહેરાવી હતી. આ ”એકતા પરેડ ” નું વધુ એક આકર્ષણ હતું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા નિદર્શિત થયેલા ”સ્પેશ્યિલ વેહીકલ્સ” આ એકતા પરેડમાં આરપીએફ, આઇટીબીપી, એનડીઆરએફ, બીએસએફ, એનએસજી તથા સીઆરપીએફ દ્વારા નિર્મિત કોમ્બેટ વેહીકલસ પ્રદર્શિત કરવામાં હતા. આ તબક્કે ગુજરાત પોલીસનું ”બૉમ્બ ડિસ્પોઝલ પ્રોટેક્શન વેહિકલ” (બીડીપીવી) તથા સીઆરપીએફની ”વિમેન વોરિયર્સ”ની છઠ્ઠી બટાલિયનને મંત્રમુગ્ધ કરી નાખે તેવા કૌશલ્યો દર્શાવ્યા હતા.
ગુજરાત સરકારના યુવક-સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ડેડીયાપાડા તથા સાગબારાના આદિવાસી યુવાઓએ કોવિડ -19 ની ગાઈડલાઈન જાળવીને પરંપરાગત ”ડાંગી નૃત્યો ” રજુ કર્યા હતા. આ સમયે વાયુસેનાના શાનદાર લડાકુ વિમાન જગુઆર દ્વારા તેજ ઉડાન સાથે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી હરદીપસિંગજી પૂરી, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, છોટા ઉદેપુરના સાંસદશ્રી ગીતાબેન રાઠવા સહિત પદાધિકારી, ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજપીપળા : સરદાર પટેલની વિરાટ પ્રતિમાનાં સાનિધ્યમાં અને સાતપૂડાની શાખે યોજાઇ શાનદાર રાષ્ટ્રીય એકતા પરેડ.
Advertisement