ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં આવેલ એક મોબાઇલ રિપેરિંગની દુકાનમાંથી રિપેરિંગ માટે આવેલા પંદર જેટલા મોબાઇલ ચોરાયા હતા. રાજપારડી પોલીસમાં લખાયેલી ફરિયાદ મુજબ રાજપારડી નગરના મુખ્ય માર્ગ પર ગેસ્ટ હાઉસના આગળના ભાગે સાજુદ્દીન શેખ મોબાઇલ રીપેરીંગનું કામ કરે છે. ગયા સોમવારના રોજ આ યુવાન સવારે તેની દુકાન ખોલવા આવ્યો ત્યારે તેની કેબિનનું ઉપરના ભાગે આવેલ પતરુ કોઈ સાધન વડે તોડી નંખાયેલ જોયુ.બાદમાં તેણે દુકાનમાં તપાસ કરતાં રીપેરીંગ માટે આવેલા કેટલાક મોબાઇલ ચોરાઇ ગયા હોવાની જાણ થઇ હતી. અંદાજિત કિંમત રૂ. ૨૭,૫૦૦ ની કિંમતના ૧૫ જેટલા મોબાઇલ ચોરાયા હતા.ગ્રાહકોના રિપેરિંગ માટે આવેલ મોબાઇલો ચોરાતા આ યુવક તકલીફમાં મુકાયો હતો. રાજપારડી ગામે રહેતા આ સાજુદ્દીન શેખ નામના યુવકે આજે રાજપારડી પોલીસ મથકમાં મોબાઇલો ચોરાયા બાબતની ફરિયાદ લખાવી હતી. ભુતકાળમાં પણ બજારમાં કેટલીક દુકાનો ચોરીનો ભોગ બની હતી. ત્યારે આ પેંધા પડેલા ઘરફોડ ચોરોને યોગ્ય નશીહત થાય તે જરૂરી બન્યુ છે. ઉલ્લેખનીય છે કે ચારેક દિવસ પહેલા રાજપારડી નગરમાં એક લાખથી વધુ રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીનાની પણ ચોરી થવા પામી હતી. ચોરીના વધતા બનાવોને પગલે જનતા ચિંતિત બની છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.