ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે રખડતા કુતરાઓએ આજે એક ચાર વર્ષના બાળક પર હુમલો કરતા બાળકને માથા તેમજ શરીર પર પાંચેક જગ્યાએ ઇજાઓ થવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ રાજપારડીના રેલ્વે નવી વસાહતમાં રહેતા આરીફહુશેન ખત્રીનો ચાર વર્ષનો પુત્ર ફૈયાજ આજે ઘર નજીક રમતો હતો ત્યારે ચારથી પાંચ જેટલા કુતરાઓના ટોળાએ તેના પર હુમલો કરતા બાળકને માથા તેમજ શરીર પર પાંચેક જગ્યાએ ગંભીર ઇજાઓ થઇ હતી.આ જોતા દોડી આવેલા લોકોએ બાળકને કુતરાઓથી છોડાવ્યો હતો.બાળક લોહિ લુહાણ થતાં તાત્કાલિક તેને અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો.ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં ફૈયાજને માથાના ભાગે પંદર જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા.આ ઘટનાથી રાજપારડીમાં રખડતા કુતરાઓનો ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવી છે અને આને લઇને નગરજનોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા આ બાળકની બહેનને પણ આ વિસ્તારમાં કુતરાઓએ હુમલો કરીને ઇજા પહોંચાડી હતી.બાળક પર કુતરાઓએ કરેલા હુમલાથી નગરજનોમાં ફફડાટ ફેલાયો છે.જવાબદાર તંત્ર આ બાબતે યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.