ચાર કાપવાનું ના કહેતા ઉશ્કેરાયેલા ઇસમે દાતરડાથી હુમલો કર્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે ખેતરના બીડમાંથી ઘાસ કાપવાનું ના કહેતા ઉશ્કેરાયેલા ઇસમે ઘાસ કાપવાની ના પાડનારને ઘાસ કાપવાનું દાતરડુ મારી ઇજા પહોંચાડી હતી. રાજપારડી પોલીસમાંથી મળતી વિગત મુજબ નજીકના વણાકપોર ગામે રહેતા મહેન્દ્રસિંહ ઉદેસિંહ મકવાણા ગામના કાળીભોઇ વગામાં આવેલ તેમના કાકાનું ખેતર ભાગે ખેડે છે. આજે સવારના નવેક વાગ્યાના અરસામાં તેઓ ખેતરે ગયા હતા,ત્યારે ખેતરના છેડાથી બીડમાં નવી જરસાડ તા.ઝઘડીયાના કમલેશભાઇ સુકદેવભાઇ વસાવા, હરેશભાઇ સુકદેવભાઇ વસાવા અને પુરણભાઇ સુકદેવભાઇ વસાવા ઘાસ કાપતા હતા. આ જોઇને મહેન્દ્રસિંહ મકવાણાએ કહ્યુ કે અમારે પણ ઘાસ કાપવાનું છે. તેથી તમે લોકો ના કાપો ત્યારે હરેશભાઇ તથા પુરણભાઇ માબેન સમાણી ગાળો બોલવા લાગ્યા. આ ઝગડામાં કમલેશભાઇએ બન્ને ભાઇઓનું ઉપરાણું લઇને તેના હાથમાં નું ઘાસ કાપવાનું દાતરડુ મહેન્દ્રસિંહને માથાના પાછળના ભાગે મારી દેતા ઇજા થઇને લોહિ નીકળ્યુ હતું. દરમિયાન આ ઘટનાની જાણ થતાં મહેન્દ્રના કાકા ત્યાં દોડી આવ્યા હતા. અને તેને મારમાંથી બચાવ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત મહેન્દ્રસિંહે રાજપારડી ખાતે પ્રાથમિક સારવાર લીધી હતી. અને આ ઘટનામાં ઇજાગ્રસ્ત મહેન્દ્રસિંહ મકવાણા રહે.ગામ વણાકપોર નાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મનાતા ત્રણે આરોપીઓ રહે.ગામ નવી જરસાડ તા.ઝઘડીયા જિ.ભરૂચ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી