ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં ગ્રામ પંચાયત કાર્યાલયની સામે આવેલ સુથાર ફળિયામાં રહેતા ૩૧ વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા આ કોરોના પોઝિટિવ યુવકને અંકલેશ્વર જયાબેન મોદી કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજપારડી ગામે ગ્રામ પંચાયત સામેના સુથાર ફળિયામાં રહેતા વિજેન્દ્રકુમાર દલપતભાઈ સોલંકી નામના ૩૧ વર્ષના યુવકને તાવ જેવા લક્ષણો જણાતા તેનો સેમ્પલ લેવામાં આવ્યો હતો. બાદમાં આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે લઇ જવાયો હતો. મળતી વિગતો અનુસાર આ યુવક પાલેજ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ડ્રાઇવરની નોકરી કરે છે. અને ફરજ દરમિયાન કોઇ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી આ યુવકને કોરોના સંક્રમણ થયુ હોવાનું મનાય છે. આ યુવકના પરિવારના અન્ય બે સભ્યોને ઘરમાં હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ યુવાન જ્યાં રહેછે તેની આજુબાજુનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે. વધુમાં મળતી વિગતો મુજબ આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત વિસ્તારમાં જરુરી સર્વેલન્સની કામગીરી શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે જનતા ચિંતિત બની છે.ભરૂચ જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. અને હવે સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફેલાતા લોકોમાં ડરની લાગણી જોવા મળે છે.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી