થોડા દિવસ પહેલા ગ્રામ પંચાયતે લગાવેલા બોર્ડ બાબતે વિવાદ
ઝઘડિયાની વંઠેવાડ ગ્રામ પંચાયત દ્વારા પાંચમી અનુસૂચિના અમલીકરણ માટે જીવનના જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે થોડા દિવસો પૂર્વે પંચાયતની હદમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા. તે બાબતે ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીએ વંઠેવાડ ગામ પર જઇ આ બોર્ડ કોને પૂછીને લગાડેલ છે તેવી પૂછપરછ કરી હતી. જે બાબતે વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચે તાલુકા વિકાસ અધિકારીને પંચાયતના અબાધિત અધિકારમાં હસ્તક્ષેપ કર્યો હોવાના આક્ષેપ સાથે નોટિસ પાઠવી દિન સાતમા યોગ્ય કાયદાકીય લેખિત ખુલાસો કરવા જણાવ્યું છે. મળતી વિગતો મુજબ ગત તારીખ ૧૫.૭.૨૦ ના રોજ ઝઘડીયા તાલુકાની તલોદરા, ફૂલવાડી, વંઠેવાડ, દધેડા, લીંભેંટ પંચાયત દ્વારા ભારતીય સંવિધાનની પાંચમી અનુસૂચિ હેઠળનો આદિજાતિ વિસ્તાર દર્શાવતા બોર્ડ લગાવવા માટે ગ્રામસભામાં ઠરાવ કરી પંચાયતની હદમાં ગુજરાત ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના સભ્ય અને દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ દિલીપ વસાવા તથા આગેવાનોની હાજરીમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા. બોર્ડમાં પાંચમી અનુસૂચિ, વેદાતા જજમેન્ટ, સમતા જજમેન્ટ અને છ જેટલા અનુચ્છેદો બોર્ડમાં ટાંકવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચ પાર્થ કુમાર ઇશ્વરભાઇ વસાવાએ જણાવ્યા મુજબ ઝઘડીયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વંઠેવાડ ગામે ગયા હતા અને એવી પૂછપરછ કરી હતી કે આ બોર્ડ કોને પૂછીને લગાડેલ છે તેવી પૂછપરછ કરી ધમકાવવાની કોશિશ કરી હતી. આ ઘટનાના સંદર્ભમાં આજરોજ વંઠેવાડ ગ્રામ પંચાયતના સરપંચ પાર્થ કુમાર ઇશ્વરભાઇ વસાવાએ તાલુકા વિકાસ અધિકારી ઝઘડીયાને સંબોધીને એક નોટિસ પાઠવી છે. નોટિસમાં તેમણે જણાવ્યું છે કે બંધારણની જોગવાઈ અનુસાર પાંચમી અનુસૂચિના અમલીકરણ માટે કેન્દ્ર સરકારના પંચાયતના વિસ્તરણ અધિનિયમ ૧૯૯૭ અનુસાર તથા રાજ્ય સરકારના તા. ૧૭.૬.૧૭ ના પૈસા કાયદા અધિનિયમ અનુસાર જનજાગૃતિના ઉદ્દેશથી તથા ગ્રામ સભામાં કરેલ નિર્ણય અનુસાર બંધારણીય સૂચિ અને જોગવાઇઓની જાણકારી મળે તે માટે જાહેર જગ્યા પર બોર્ડ લગાડેલ છે. જે સ્થાનિક ગ્રામ પંચાયતનો અબાધિત અધિકાર છે તેમાં આપ હસ્તક્ષેપ કરવાના ઉદ્દેશથી તા.૨૨.૭.૨૦ ના રોજ બપોરના સમયે ૧.૩૦ કલાકે ગામ પર આવીને આ બોર્ડ કોને પૂછી લગાડેલ છે તેવી પૂછપરછ કરી ધમકાવવાની કોશિશ કરેલ છે જે ખરેખર ગેરબંધારણીય કૃત્ય છે અને તે ગુનાઇત બેદરકારીનો નમુનો છે. આ બાબતે આપ કયા અધિકારીના હુકમથી કે આદેશથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છો તે અમારે જાણવું છે તો દિન ૭ માં કાયદાકીય લેખિત ખુલાસો કરવા નોંધ લેશો. જો આ બાબતે સમય વ્યતીત કરવામાં આવશે કે અન્ય રીતે ચૂક થશે તો તેની તમામ જવાબદારી આપની રહેશે. આ બાબતે નારાજગી દાખવી ઉચ્ચકક્ષાએ કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની નોંધ લેવા જણાવ્યું છે. ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામના સરપંચે તાલુકા વિકાસ અધિકારીને આપેલ નોટીશ બાબતે ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી એ.જે.પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારી કચેરી તરફથી રોજ કામ કરવાની સૂચના હતી જેથી સ્થળ ગયા હતા.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી