રાજપારડી પંથકમાં ધીમેધીમે વધતા જતા કોરોના કેસોથી જનતા ચિંતિત.
ઝઘડીયા તાલુકાના અવિધા ગામે ગઇકાલે એક ચાલીસ વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે બીજા એક યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા પંથકની જનતા ચિંતિત બની છે.રાજપારડીમાં તબીબ દંપતિના કેસ પોઝિટિવ આવ્યા બાદ રાજપારડીથી નજીકમાં આવેલ અવિધા ગામે પણ બે કોરોના કેસો જણાયા છે. રાજપારડી આરોગ્ય વિભાગના ડો.છોટુભાઈ વસાવા અને ડો.અશોકભાઈ જાનીના જણાવ્યા અનુસાર આજે અર્ચીતભાઇ જગદીશભાઇ પટેલ ઉ.વ.૨૬ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ ઇસમને કોરોના સંબંધિત લક્ષણો જણાતા તેનો સેમ્પલ લેવાયો હતો.આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગઇકાલે પોઝિટિવ આવેલ ઇસમના સંપર્કમાં આવવાથી અર્ચીતભાઇ કોરોના સંક્રમિત થયા હોવાનું મનાય છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અર્ચીતભાઇ તાજેતરમાં અન્ય ત્રીસ જેટલી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.ગઇકાલે અવિધા ગામે ૩ ફળીયા કન્ટેન્ટમેન્ટ વિસ્તાર અને ૪ ફળીયા બફર ઝોન તરીકે આવરી લેવાયા હતા.આજે જે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે યુવક બફર ઝોનમાં રહેતો હોઇ,તે ફળીયાને કન્ટેન્ટમેન્ટ કરવા આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.વધુમાં જાણવા મળ્યુ છેકે અવિધા ગામના કેટલાક નાગરીકોનું માનવું છેકે અત્યારે ખેતીની મોસમ ચાલતી હોવાથી અન્ય ફળિયાઓને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત રાખવા જોઇએ અને જ્યાં પોઝિટિવ કેસ આવેલો છે તે ફળિયાનેજ કન્ટેન્ટમેન્ટ જાહેર કરવું જોઇએ.જેથી ખેતીવિષયક કામગીરીમાં અડચણ ના આવે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ યુવકને અંકલેશ્વર જયાબેન મોદી કોવિડ હોસ્પિટલ ખાતે લઇ જવાયો છે.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી