ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં ઉપરાચાપરી કોરોનાનાં બે પોઝિટિવ કેસ બહાર આવતા પંથકમાં ચિંતા ફેલાવા પામી છે. રાજપારડી નગરમાં આસપાસના ગામોની જનતા જરુરી ખરીદી માટે આવતી હોય છે.નગરમાં કોરોનાનો પગપેસારો થતાં નગર સહિત પંથકના ગામોની જનતા ચિંતિત બની છે. કોરોનાના ડરે બહારથી આવતી જનતાની હાજરી નહિવત બની છે.જોકે જરુરી ખરીદી માટે નગરજનો અને બહારની જનતાએ સવારનાં સમયે રાજપારડીનાં બજારમાં આવવું પડતુ હોય છે.જે લોકો બજારમાં ખરીદી કરવા આવે છે તે પૈકી ઘણા જલ્દી ઘેર પહોંચવાની ઉતાવળમાં સોસિયલ ડિસ્ટન્સનાં નિયમનું પાલન નથી કરતા. શાકભાજી કરિયાણા વગેરે જેવા ધંધાકીય સ્થળોએ આવતા મોટાભાગનાં લોકો માસ્ક પહેર્યા વિના આવે છે અને જલ્દી ઘેર પહોંચવાની ઉતવળમાં ટોળુ વળીને ઉભેલા દેખાય છે.આમાં સોશીયલ ડિસ્ટન્સના નિયમનો સરેઆમ ભંગ થાય છે.આ વાત કોરોનાને ઝડપી ફેલાવવામાં મદદરૂપ બનતી હોવાનું જાણવા છતાં લોકોમાં જાગૃતિનો અભાવ દેખાય છે.જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો ઝડપી ફેલાવો થઇ રહ્યો છે,તેમાં રાજપારડી નગરનો પણ સમાવેશ થયો છે.રાજપારડીમાં ઉપરાચાપરી બે કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર આવતા નગરને હોટસ્પોટ બનતું અટકાવવા તંત્ર કડક પગલા ભરે એવી માંગ ઉઠવા પામી છે.નગરનાં બજારો અઠવાડિયા સુધી સ્વૈચ્છિક બંધ રાખીને કોરોનાને વધતો અટકાવાય એવી માંગ ઉઠવા પામી છે.ત્યારે નગરને કોરોનાગ્રસ્ત બનતું અટકાવવા તંત્ર તાકીદે કડક પગલા ભરે તે જરુરી છે.સળંગ અઠવાડિયા સુધી બજારો બંધ હોય તો કોરોના સંક્રમણને વધતુ અટકાવી શકાશે.આ બાબતે તંત્ર તાકીદે આગળ આવે તે જરુરી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.