ભરૂચનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં ઉપરાચાપરી કોરોનાનાં બે પોઝિટિવ કેસ બહાર આવતા પંથકમાં ચિંતા ફેલાવા પામી છે. ત્રણેક દિવસ પહેલા નગરમાં ખાનગી દવાખાનું ધરાવતા એક સ્થાનિક તબીબ ડો.સૈલેશ દોશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ હતું. બાદમાં તંત્ર દ્વારા તબીબનાં દવાખાના અને રહેણાંક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે સીલ કરી દેવાયો હતો.દરમિયાન આજે આ તબીબનાં પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ હતું. આ તબીબ વડોદરા ખાતે ખાનગી દવાખાનામાં સારવાર લઇ રહ્યા હોઇ તેમના પત્નીને પણ વડોદરા સારવાર માટે લઇ જવાયા છે.રાજપારડીનાં કોરોના પોઝિટિવ આવેલા આ તબીબ રાજપારડીનાં જ રહીશ છે.આમ રાજપારડીનાં સ્થાનિક નાગરીક કોરોનાગ્રસ્ત થતાં નગર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા ફેલાવા પામી છે.આજે તાલુકા આરોગ્ય અધિકારી મહેતાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ કે રાજપારડીમાં કોરોનાગ્રસ્ત પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા બહારથી અન્ય બીજા ત્રણેક જેટલા તબીબોને પણ રાજપારડી બોલાવવામાં આવ્યા છે.રાજપારડીનાં તબીબનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ કુલ દસેક જેટલી વ્યક્તિઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. રાજપારડીનાં પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી એવા આ તબીબ રાજપારડીનાં સ્થાનિક નાગરીક છે. તબીબ હોવાને કારણે તેઓ અઠવાડિયા દરમિયાન કેટલા દર્દીઓના સંપર્કમાં આવ્યા હશે, તે વિષે જરૂરી તપાસ માટે હવે આરોગ્ય વિભાગે કવાયત કરવી પડશે. આજે આ તબીબનાં પત્નિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ હતું. અત્યારસુધી કોરોનાની અસરથી મુક્ત રહેલા રાજપારડી નગરમાં કોરોનાનો પગપેસારો થતાં નગરજનો ચિંતિત બન્યા છે.નગરનો જે વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે, તે વિસ્તાર નગરનો મુખ્ય બજાર વિસ્તાર હોવા ઉપરાંત એક બેન્ક પણ આ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં હોવાથી બંધ કરવી પડી છે. જ્યારે બહારનાં ગામોએથી આવતા ઘણા ગ્રામજનો કોરોનાનાં ડરથી રાજપારડી આવતા નથી. તેથી અન્ય બેન્કોમાં પણ ગ્રાહકોની જુજ હાજરી હોવાની વિગતો જાણવા મળી છે.આરોગ્ય વિભાગનાં જણાવ્યા મુજબ નગરમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સહિત અન્ય સ્થળોએ જરૂરી સર્વે કરવામાં આવી રહ્યુ છે. કોરોનાગ્રસ્ત તબીબ સ્થાનિક નાગરીક હોવાના કારણે તેઓ નજીકના સમયમાં ઘણા લોકોના સીધા સંપર્કમાં આવ્યા હોવાની દહેશત પણ રહેલી છે. ત્યારે આરોગ્ય વિભાગે જરૂરી સર્વેલન્સ વધુ ઝડપી બનાવવું જોઇએ અને જરૂર લાગે તેવા લોકોના સેમ્પલો જલ્દીથી લેવા જોઇએ, એવી લાગણી જનતામાં દેખાઇ રહી છે. જિલ્લાનું મહત્વનું વેપારીમથક ગણાતું રાજપારડી નગર કોરોનાની લપેટમાં આવતા નગર સહિત આસપાસનાં ગામોમાં પણ કોરોનાનો ડર ફેલાવા પામ્યો છે. ત્યારે તંત્રએ વધુ અસરકારક પગલા લેવા તાકીદે કવાયત હાથ ધરવી પડશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.