કોરોના વાયરસને પગલે તબક્કાવાર ત્રણ લોકડાઉનો પુર્ણ થયા. લાંબા સમયથી ચાલતા લોકડાઉન દરમિયાન ફક્ત આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી હતી. જે દરમિયાન અન્ય ધંધાઓ બંધ હતા. જોકે ચોથા લોકડાઉનની શરુઆતે અન્ય ધંધાઓ પણ શરતોને આધિન ચાલુ કરવાની મંજુરી અપાતા ઘણા સ્થળોએ બજારો પુન: ધબકતા થયા છે. ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં પણ ચોથા લોકડાઉન દરમિયાન હળવા બનાયેલા નિયમોનો લાભ બજારને મળ્યો છે. દરેકે માસ્કનો ઉપયોગ કરવો દુકાનદારોએ ગ્રાહકોને સેનેટરાઇઝથી હાથ સાફ કરાવવા સોસિયલ ડિસ્ટન્સ જાળવવું ભીડ એકઠી નહિ થવા દેવી જેવા નિયમો જાળવાની શરતે બજારો ધબકતા થયા છે. રાજપારડી નગરમાં સવારે આઠ વાગ્યા આસપાસ બજારો શરુ થાય છે. બજારની ઘરાકી મોટાભાગે આજુબાજુના ગામો પર નિર્ભર હોવાથી ગામડાઓની જનતાની ચહલપહલ શરુ થતાં બજારો પુન: ધબકતા થયા છે. પરંતુ બપોરના બાર વાગ્યા આસપાસ જનતાની અવરજવર બંધ થઇ જતાં બજારો પણ સ્વયંભૂ બંધ થઇ જાય છે.દુકાનદારોના ધંધા બંધ થઇ જતાં બેકારીની સમસ્યા જણાતી હતી, ત્યારે ચોથા લોકડાઉનમાં શરતોને આધિન ધંધા ચાલુ કરવાની છુટ આપવામાં આવી છે તો જનતા પણ જરુરી નિયમોનું પાલન કરે તે પણ જરુરી છે.અને તોજ ચોથા લોકડાઉન દરમિયાન મળેલી છુટછાટ સાર્થક બની ગણાશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.