ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા તરફથી જરૂરતમંદોને રોકડ સહાય આપવામાં આવી. કોરોના વાયરસને વધતો અટકાવવા અમલમાં મુકવામાં આવેલા લોકડાઉનને લઇને લોકોના ધંધા રોજગાર બંધ હતા. ગરીબ અને રોજિંદી કમાણીથી પરિવારનું ગુજરાન ચલાવવાવાળાઓને તકલીફ પડતી હતી. જોકે કોરોના જેવી વૈશ્વિક મહામારીને વધતી અટકાવવા દેશવ્યાપી લોકડાઉન જરૂરી પણ છે જ.ત્યારે લોકડાઉનમાં ગરીબ જનતાને મદદરૂપ થવા ઘણીબધી સામાજીક તેમજ ધાર્મિક સંસ્થાઓ આગળ આવી છે. હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે રાજપારડી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા નંબર ૯૦ તરફથી ૪૫ જેટલા જરૂરતમંદોને રોકડ સહાય આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે હુઝુર શૈખુલ ઇસ્લામ મદનીબાવાના નામ સાથે જોડાયેલ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની ઘણી શાખાઓ ભારતભરમાં કાર્યરત છે અને આ ધાર્મિક સંસ્થા દ્વારા અવારનવાર સમાજોપયોગી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતુ હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ