કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ. લોકડાઉનની જાહેરાત બાદ ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરના વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખીને લોકડાઉનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. બાદમાં સરકાર દ્વારા જેતે વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા મુજબ રેડ ઝોન,ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન એમ ત્રણ ઝોનમાં બધા વિસ્તારોને વહેંચી દેવામાં આવ્યા. તે મુજબ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સરકારી નિયમોનું પાલન કરવાની શરતે કેટલીક છુટછાટ આપવામાં આવી છે. તેમાં અત્યારસુધી બંધ રહેલા ઘણા ધંધાઓ શરતોને આધિન ખોલવાની છુટ આપવામાં આવી છે. દરમિયાન ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના અગ્રણી વેપારીઓએ સોમવારે રાજપારડી પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ જાદવ સાથે સોસિયલ ડિસ્ટન્સનો નિયમ જાળવીને બેઠક કરી હતી.પી.એસ.આઇ.એ વેપારીઓને જણાવ્યું હતું કે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા જાહેરનામા મુજબ નિયમો જાળવવા એ આપણા સહુની ફરજ છે. સરકારના નિયમો મુજબ વેપારીઓએ પોતાના ધંધા ચાલુ કરવા જણાવાયું હતું.જેમાં સામાજીક અંતર જાળવવુ, દુકાનમાં પ્રવેશતા ગ્રાહકોને સેનેટાઇઝર વડે હાથ સાફ કરાવવા, વેપારીઓએ મોઢે માસ્ક પહેરવુ તેમજ ગ્રાહકોને પણ માસ્કનો ઉપયોગ કરવા જણાવવું, દુકાનો પર ભીડ ના થાય તેનો ખ્યાલ રાખવો, હાથના મોજા પહેરવા, વગેરે જેવા જરૂરી નિયમોનુ ચોક્કસપણે પાલન કરી સરકારની ગાઇડ લાઇન મુજબ દુકાનો ખોલવી તેમ જણાવાયું હતું. બેઠકમાં ઉપસ્થિત વેપારીઓએ જાહેરનામા મુજબ નિયત સમયગાળા દરમિયાન નિયમો જાળવીને ધંધા ખોલવા બાબતે ખાત્રી આપી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.