ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં પાન પડીકી, તમાકુ, સિગારેટ જેવી હાલમાં પ્રતિબંધિત વસ્તુઓના કેટલાક નફાખોર વેપારીઓ કાળા બજાર કરી રહ્યા હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠવા પામી છે.ત્યારે આજે રાજપારડી પોલીસે નગરના બે વેપારીઓને તમાકુની વિવિધ બનાવટો સાથે ઝડપી પામ્યા હતા.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો અનુસાર અત્રે ચાર રસ્તા નજીક પિયુષ એજન્સી નામે દુકાન ધરાવતા ડાહ્યાભાઇ દેવચંદ પટેલને હાલના સરકારી જાહેરનામામાં પ્રતિબંધિત ગણવામાં આવેલ સિગારેટ પાન પડીકી તેમજ તમાકુ જેવી વસ્તુઓ સાથે ઝડપી લીધો હતો.આ વેપારી પાસેથી કુલ રુ.૫૦૪૬૬ નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો.ઉપરાંત રાજપારડીના અન્ય વેપારી રાજેશભાઇ નારણભાઇ પટેલ પાસેથી પણ રુ.૧૦૧૪ નો મુદ્દામાલ હાથ લાગતા બંને વેપારીઓ પાસેથી પોલીસે કુલ મળી રુ.૫૧૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જાહેરનામાનો ભંગ કરીને પ્રતિબંધિત વસ્તુઓ રાખવા બદલ ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં ચાલતા લોકડાઉન અંતર્ગત કેટલાક નફાખોર વેપારીઓ અનાજ કરિયાણા જેવી આવશ્યક વસ્તુઓની આડમાં પાન પડીકી, બીડી, સિગારેટ, તમાકુ જેવી હાલમાં પ્રતિબંધિત વસ્તુઓ લોકોની મજબુરીનો લાભ લઇને તગડી કિંમતે વેચતા હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠવા પામી છે.રાજપારડીમાં બીજા પણ કેટલાક નફાખોરો તમાકુનું પાછલા બારણે વેચાણ કરતા હોવાની વાતો નગરની જનતામાં ચર્ચાઇ રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.