હાલમાં રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો વધતા જાય છે.ગ્રામિણ તેમજ શહેરી વિસ્તારોમાં આરોગ્ય કર્મીઓ દ્વારા કોરોના વાયરસ અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવતી હોય છે.તે અંતર્ગત ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામે રાજપારડી આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન ગ્રામજનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં થર્મલ સ્ક્રિનિંગ ઉપકરણ દ્વારા ૬૩૭ જેટલા લોકોના શરીરના ટેમ્પરેચરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન તમામ ગ્રામજનો સ્વસ્થ હોવાનુ જણાયુ હતું. રાજપારડી આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર તા.૨૪ થી ૨૬ દરમિયાન સતત રાત્રિના ૮ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી વઢવાણા ગામમાં હેલ્થ સર્વે કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તમામ ગ્રામજનો સ્વસ્થ હોવાનુ જણાતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ દિવસ દરમિયાન આરોગ્ય કર્મીઓને જરૂર જણાય ત્યાં કેટલાક વિસ્તારોમાં હોમ કવોરન્ટાઇન કરવાના તેમજ હોમ ક્વોરેન્ટાઇનની અવધિ પુર્ણ થઇ હોય ત્યાં લોકોને ક્વોરેન્ટાઇનમાંથી બહાર કાઢવાના તેમજ બહારના જીલ્લાઓમાંથી આવેલા વ્યક્તિઓની ભાળ મેળવીને તેમની તપાસ કરવાની કામગીરી કરવાની હોય છે.જેથી દિવસ દરમિયાન કામગીરીનુ ભારણ વધુ હોય છે.ત્યારે રાત્રિના સમયે હેલ્થ સર્વે કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. વઢવાણા ગામે આરોગ્ય સર્વે દરમિયાન ગ્રામજનોએ આરોગ્ય કર્મીઓને પુરો સહયોગ આપ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.