કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તેને નિયંત્રણમાં લઇ નાબુદ કરવા અસરકારક પગલા ભરાઇ રહ્યા છે.રાજપારડી અને ભાલોદ આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં કુલ ૨૭ જેટલા ઘરો હોમ કોરેન્ટાઇન હેઠળ મુકવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સંભવિત શક્યતાઓ અટકાવવા ચાંપતા પગલા ભરાઇ રહ્યા છે.મળતી વિગતો મુજબ રાજપારડી પંથકમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોનું ટેમ્પ્રેચર ચેક કરવા ઉપરાંત અન્ય જરૂરી સલાહ સુચન જનતાને અપાય છે.જેથી કોરોનાના સંભવિત સંક્રમણને અટકાવી શકાય.રાજપારડી અને ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા હોમ કોરેન્ટાઇન હેઠળ મુકાયેલા ઘરોની આજુબાજુના ઘરોનું સર્વેલન્સ હાથ ધરાયુ છે.હાલના કોરોના ગ્રસ્ત લોકડાઉનના સમયમાં પોલીસ લોકડાઉનનો અમલ કરાવવા ખડેપગે સેવા બજાવી રહી છે. તેઓને ઘણી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું થતું હોય છે.ત્યારે પોલીસ કર્મચારીઓને કોરોનાના સંક્રમણથી બચાવવા તેમનું ચેકઅપ સમયાંતરે કરાતુ હોય છે.રાજપારડી ભાલોદ પંથકમાં બહારથી આવેલી વ્યક્તિઓની ઘનિષ્ઠ તપાસ થાય છે.અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા ભરૂચ જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ જણાતા તંત્ર એકશનમાં આવી ગયુ છે.તેના અનુસંધાને રાજપારડી ભાલોદ વગેરે આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓ દ્વારા કોરોનાની સંભવિત શક્યતાઓને અટકાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.