વિશ્વ સહિત ભારતમાં અત્યારે કોરોનાનો વ્યાપ ફેલાયો છે. કોરોના વાયરસથી સંક્રમિત થયેલ એક વ્યક્તિથી હજારો લોકો સંક્રમિત થઇ શકે.તેથી તંત્ર દ્વારા જેતે વિસ્તારમાં બહારના અન્ય સ્થળોએથી આવતા ઇસમોની પુરી તપાસ કરાતી હોય છે.હાલમાં પ્રવર્તમાન લોકડાઉન અંતર્ગત જાહેરનામા પ્રમાણે બહારથી આવેલ ઇસમોની જાણ તંત્રને કરવાની હોય છે.પરંતુ ઘણા કિસ્સાઓમાં આ જરૂરી નિયમનું ઉલ્લંઘન કરાતુ હોવાની વાતો સામે આવતા તંત્ર એકશનમાં આવ્યું છે.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક નર્મદા નદીના બેટ વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ ઇસમો છુપાયા હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ રાજપારડી પીએસઆઇ જાદવે જુનાપોરા નજીક આવેલ નર્મદા નદીના બેટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.પોલીસના જણાવ્યા મુજબ નર્મદાના બેટમાં બહારથી આવેલ કેટલાક શંકાસ્પદ ઇસમો છુપાયા હોવાની બાતમી મળી હતી.આ બેટ વિસ્તારનો ૧૫ કીલોમીટર જેટલો મોટો વિસ્તાર જંગલ વિસ્તાર હોવાથી ત્યાં વાહનો જઇ શકે તેમ નહતા.ત્યારે પોલીસે ઘોડેસવારી કરીને આ વિસ્તારમાં તપાસ કરી હતી.પીએસઆઇ જાદવના જણાવ્યા મુજબ બહારથી આવેલા ઇસમો પૈકી કોણ કોરોનાથી સંક્રમિત થયેલ છે તેની તરત તો ખબર પડતી નથી.ત્યારે બહારના વિસ્તારોમાંથી આવ્યા હોય તેવા શંકાસ્પદ ઇસમો નર્મદાના બેટ વિસ્તારમાં છુપાયા હોવાની બાતમી મળી હતી.તેથી રાજપારડી પોલીસ દ્વારા ટીમો બનાવીને હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવી હતી.જોકે કોઇ શંકાસ્પદ બાબત ન જણાતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.વધુમાં મળતી વિગતો અનુસાર કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા ભરૂચ જિલ્લાના તમામ ગામોમાં અવરજવર કરતા લોકો પર પોલીસ દ્વારા નજર રખાઇ રહી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.