કોરોના વાયરસના વધી રહેલા ફેલાવાના કારણે કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા ૨૧ દિવસનું દેશ વ્યાપી લોક ડાઉન કરાયું છે.ત્યારે જરૂર વિના બહાર ન નીકળવુ, નિયમ વિરુદ્ધ વધુ વ્યક્તિઓએ એકઠા ન થવું, વગેરે જેવી અગત્યની બાબતોની ખાસ તકેદારી રાખવી જરૂરી ગણાય છે અને લોકડાઉન અંતર્ગત બહાર પડાયેલા જાહેરનામા મુજબ સહુએ અમલ કરવાનો હોય છે.પરંતુ કેટલાક લોકો પોતાના આરોગ્યની દરકાર કર્યા વિના આડેધડ બહાર ટહેલતા જણાતા હોય છે.ત્યારે પોલીસ અને તંત્રની વારંવારની સુચનાઓ છતાં તેને ધ્યાનમાં નહિ લઇને જાણે કોઇપણ જાતના ટેન્શન વિના ફરતા હોય એમ બહાર ટહેલવા નીકળી પડતા હોય છે.રાજપારડી પોલીસ દ્વારા ડ્રોન કેમેરા મારફતે તેમજ પેટ્રોલિંગ દ્વારા તપાસ કરાતા કેટલાક ઇસમો જાહેરનામાનો ભંગ કરતા ઝડપાતા આવા ઇસમો વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુના નોંધાયા હતા.પોલીસમાંથી મળતી વિગતો મુજબ કુલ છ જેટલા ગુનાઓમાં ૩૮ જેટલા ઇસમો વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે.ઉપરાંત જરૂર વિના વાહનો લઇને નીકળી પડતા ઇસમો પ્રત્યે પણ પોલીસે લાલ આંખ કરતા કુલ ૧૨૮ જેટલા નાનામોટા વાહનો અટકાવીને પોલીસે ડિટેઇન કર્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.