દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી જમાતના મરકજ પર યોજાયેલા ધાર્મિક સંમેલન બાદ ભેગા થયેલા કેટલાક ઇસમોના કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યુ હતું.ત્યારે તંત્ર દ્વારા તબ્લીગી મરકજ પર ભેગા થયેલા ઇસમોની તપાસનો દોર શરૂ થયો હતો. આ તપાસ અંતર્ગત ભરુચ જિલ્લાના રાજપારડીના કેટલાક મુસ્લિમ ભાઇઓએ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારની મુલાકાત લીધી હોવાનું જણાતા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા રાજપારડીના દિલ્હી ગયેલા લોકોની તપાસ કરવામાં આવી હતી.બાદમાં દિલ્હીની મુલાકાત લીધેલ પંદર જેટલા નાગરીકોના પરિવારોને તકેદારીના રુપે ઘરોમાં ક્વોરન્ટાઇન હેઠળ મુકવામાં આવ્યા હતા.આ દરમિયાન સ્થાનિક આરોગ્ય ટુકડી દ્વારા તેમની નિરંતર તપાસ કરાઇ રહી હોવાનું જાણવા મળ્યુ હતુ.આ અંગે સ્થાનિક સરકારી તબીબનો સંપર્ક કરતા તેઓએ ક્વોરન્ટાઇન હેઠળ રખાયેલા પરિવારો સ્વસ્થ હોવાનું જણાવ્યું હતુ.અને તેઓમા શરદી, ખાંસી જેવા કે અન્ય કોઇ વાંધાજનક લક્ષણો જણાયા નથી.વધુમાં રાજપારડીના દિલ્હીની મુલાકાતે જઇને આવેલા નાગરીકો પૈકી કેટલાકે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓની દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓએ નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલ હઝરત નિઝામુદ્દીનબાવાની દરગાહની ફક્ત થોડા સમય માટે દર્શનાર્થે મુલાકાત લીધી હતી.તાજેતરમાં ચર્ચામાં આવેલા આ વિસ્તારના તબ્લીગી જમાતના મરકજ સાથે તેમને કોઇ સંબંધ નથી.વધુમાં તેમના જણાવ્યા અનુસાર તેમનો આ પ્રવાસ વિવિધ સ્થળોએ આવેલ દરગાહોના દર્શનને અનુલક્ષીને હતો.ઉપરાંત આ તમામ ઇસમો 18 મી માર્ચ સુધી રાજપારડી પરત આવી ગયા હતા.હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ આ ઇસમોએ વધુમાં જણાવ્યુ કે તેઓ પોલીસ અને આરોગ્ય ટીમને સંપૂર્ણ સહકાર આપશે.દરમિયાન સ્થાનિક આરોગ્ય ટુકડી દ્વારા નગરમાં મેડીકલ સર્વે હાથ ધરાયુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.