તાજેતરમાં કોરોનાની વધી રહેલી દહેશતને ધ્યાનમાં લઇને કેન્દ્ર દ્વારા ૨૧ દિવસની દેશવ્યાપી તાળાબંધી કરવામાં આવી છે,તે કોરોનાને ફેલાતો અટકાવવા બાબતે એક પ્રસંશનીય પગલું ગણાય.આ દરમિયાન જીવન જરુરિયાતને લગતી આવશ્યક વસ્તુઓ જનતાને મળતી રહે તે માટે અનાજ, કરિયાણુ, દવાઓ, શાકભાજી, દુધ-દહીં તેમજ ફળો જેવી જીવનોપયોગી વસ્તુઓની દુકાનો નિયત સમય સુધી ખુલ્લી રાખવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.ભરુચ જિલ્લામાં મહત્વના વેપારી મથક ગણાતા રાજપારડી નગરમાં નગર ઉપરાંત આજુબાજુના ગામોની જનતા ખરીદી માટે આવે છે.નગરમાં આવશ્યક વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને તેમના ધંધા નિયત સમયગાળા હેઠળ ખુલ્લા રાખવાની છુટ અપાઇ છે.નગરમાં ચર્ચાતી વાતો મુજબ કેટલાક નફાખોર વેપારીઓ જરુરી વસ્તુઓનો સંગ્રહ કરી પાછળથી ઉંચો ભાવ લેવાની ગણતરી રાખી રહ્યા છે.કૃત્રિમ અછત ઉભી કરી જેતે વસ્તુના બજારભાવ કરતા વધુ ભાવ લઇને કટોકટીના સમયમાં જનતાને લુંટવાની મેલી મુરાદ રાખતા નફાખોરો પ્રત્યે તંત્ર લાલ આંખ કરે તેવી લોકલાગણી જોવા મળી છે અને તપાસ દરમિયાન કોઇ નફાખોર ગ્રાહકોને લુંટતો પકડાય તો મોટી સજા કરાય તે આજના સમયને અનુરૂપ પગલું ગણાશે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ