આજે શરૂ થયેલ ધો.૧૦ ની પરિક્ષાનો રાજપારડી કેન્દ્રમાં શાંતિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો.એસએસસી બોર્ડની પરિક્ષાના પ્રથમ દિવસે પરિક્ષા કેન્દ્ર ખાતે પરિક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ખુશ જણાતા હતા. રાજપારડી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ સુનિલ પટેલ અને મંડળના સભ્યોએ વિદ્યાર્થીઓને પરિક્ષામાં જવલંત સફળતા મળે તેવી શુભેચ્છા આપી હતી.પરિક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને ફુલ આપીને અભિવાદન કરીને પ્રવેશ અપાયો.રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિર ખાતે ધો.૧૦ ના પરિક્ષા કેન્દ્રમાં કુલ ૮૪૦ જેટલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.રાજપારડી કેન્દ્રમાં રાજપારડીની ચાર શાળાઓ ઉપરાંત ઉમલ્લા, અવિધા, ભાલોદ, સરસાડ, પાણેથા, ઇન્દોર વગેરે ગામની શાળાઓના વિદ્યાર્થીઓ એસએસસી ની પરિક્ષા આપી રહ્યા છે.ડી.પી.શાહ વિદ્યામંદિરમાં પરિક્ષા કેન્દ્ર ખાતે યુનિટ ૧ અને ૨ માં કુલ ૨૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જેમાં ૩૦ રીપીટર અને ૮૧૦ રેગ્યુલર મળી કુલ ૮૪૦ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી રહ્યા છે.આ પરિક્ષા કેન્દ્ર ખાતે કુલ બે યુનિટોમાં સંચાલક તરીકે શાળાના આચાર્ય મંગુભાઇ વસાવા અને રસીલાબેન ફરજ બજાવી રહ્યા છે.અત્રે ૨૮ સુપરવાઇઝરો અને ૪ રીલીવરો પરિક્ષા ખંડોમાં ફરજ બજાવી રહ્યા છે.ઉપરાંત રાજપારડીની પાણિની પ્રજ્ઞા પરબ શાળા ખાતે ઉભા કરાયેલા કેન્દ્રમાં સંચાલક તરીકે નરેશભાઇ પટેલ ફરજ બજાવી રહ્યા છે.પાણિની પ્રજ્ઞા પરબ શાળા ખાતેના પરિક્ષા કેન્દ્રમાં પરિક્ષા આપનાર બધા વિદ્યાર્થીઓ રીપીટર (પુનરાવર્તિત )વિદ્યાર્થીઓ છે.જેમાં તા.૫ મીના રોજ ગુજરાતીના પેપરમાં ૨ બ્લોકમાં ૩૯ વિદ્યાર્થીઓ, ૭ મી તારીખના વિજ્ઞાનના પેપરમાં ૧૦ બ્લોકમાં ૨૯૩ વિદ્યાર્થીઓ, ૧૧ મીના રોજ ગણિતના પેપરમાં ૧૧ બ્લોકમાં ૩૧૨ વિદ્યાર્થીઓ ,૧૩ મીના રોજ સમાજવિદ્યાના પેપરમાં ૫ બ્લોકમાં ૧૩૮ વિદ્યાર્થીઓ , ૧૪ મીના અંગ્રેજીના પેપરમાં ૯ બ્લોકમાં ૨૫૭ વિદ્યાર્થીઓ અને ૧૭ મી તારીખના રોજ કુલ ૩ બ્લોકમાં કુલ ૭૦ વિદ્યાર્થીઓ પૈકી ૨૫ વિદ્યાર્થીઓ સંસ્કૃત અને ૪૫ વિદ્યાર્થીઓ હિન્દીના વિષયની પરિક્ષા આપશે.આજે ગુજરાતીના પ્રથમ પેપરમાં આ કેન્દ્રમાં ૩ પરિક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.રાજપારડી કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાથી સજ્જ પરિક્ષા ખંડોમાં શાંતિમય માહોલ વચ્ચે બોર્ડ પરિક્ષાનો પ્રારંભ થયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ