ગુલામહુશેન ખત્રી રાજપારડી
આજે તા.૨૩ મીના રોજ બપોરના સમયે રાજપારડી પંથકમાં વાદળો ચઢી આવીને ૩ વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.દિવાળીને ૫ દિવસની વાર છે,ત્યારે રાજપારડી ના બજારોમાં દિવાળીની ઘરાકીનો માહોલ જામ્યો છે.સામાન્ય રીતે તહેવારો નિમિત્તે દુકાનદારો અને કેબિન ગલ્લાવાળા દુકાન ની બહાર પણ માલ સામાન ની જમાવટ કરતા હોય છે.આજે વાદળો ચઢીને આવતા વેપારીવર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો.બહાર કાઢેલો સામાન એકદમ વગે પણ ના થઇ શકે.કેટલાક વેપારીઓએ વાદળો જોતાજ અમુક સામાન અવેરી લીધો હતો.જ્યારે કેટલાકે બહાર કાઢેલા સામાન પર તાડપત્રી કે પ્લાસ્ટિક ઢાંકી દીધા હતા.દિવાળી ટાણે ફટાકડા વેચતા વેપારીઓ માંડવા ઉભા કરીને ધંધો કરેછે,ત્યારે એકાએક આવેલા વરસાદે ફટાકડા ના વેપારીઓને પણ દોડતા કરી દીધા હતા. અને માંડવાઓમાં જમાવટ કરીને ગોઠવેલા ફટાકડાઓમાં હવાટ આવી જવાની દહેશત પણ રહેલી છે.રાજપારડી ની આજુબાજુના ગામોએથી રાજપારડી દિવાળી ની ખરીદી કરવા આવેલા ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.ગામડાઓમાં કાચા મકાનોમાં ચોમાસુ પુર્ણ થતાં મકાન બહાર ઓટલા બનાવવાની કામગીરી થતી હોયછે.દિવાળી નજીકમાં છે,ત્યારે ગામડાઓમાં ગૃહિણીઓએ માટી લાવીને ગાર બનાવીને મહેનત થી બનાવેલા ઓટલા ધોવાઇ જતા ગ્રામિણ વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો હતો.આમ એકાએક આવેલા વરસાદે દિવાળી ટાણે બજારોમાં નીકળેલી ઘરાકી ખોરવાઇ જવા પામી હતી.