સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મહત્વના અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર આવેલ રાજપારડી નગરના ચાર રસ્તા પરથી આ ધોરીમાર્ગ પસાર થાય છે.સ્ટેચ્યુને ખુલ્લુ મુકાયા બાદ રોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ સ્ટેચ્યુ નિહાળવા જાય છે.રાજપારડી નગરના ચાર રસ્તા પર સવારથી લઇને રાત સુધી માનવ મહેરામણને લઇને મેળા જેવુ દ્રશ્ય જામે છે.વિતેલા વર્ષો દરમિયાન નગરના ચાર રસ્તા નજીક બિલાડીના ટોપની જેમ ખાણીપીણીની લારીઓ ફુટી નીકળી છે.રાજપારડીના દિવસે-દિવસે વધી રહેલા ધંધાકીય વિકાસથી રાજપારડીની આજુબાજુના અસંખ્ય ગામડાઓની જનતા ખરીદી માટે રાજપારડી આવે છે.આનો લાભ લઇને નગરના ચાર રસ્તાની આજુબાજુ ખાણીપીણીની લારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય એવું દેખાઇ રહ્યું છે.પાછલા કેટલાક વર્ષોથી નગરના ચાર રસ્તા વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલી આ ખાણીપીણીની આ લારીઓમાં કેટલીકમાં સ્વચ્છતા જળવાતી નથી એવી બુમ ઉઠવા પામી છે.સામાન્ય રીતે ખાણીપીણીની લારીઓમાં સ્વચ્છતાની જાળવણી કરવાની હોય છે.ઘણી લારીઓમાં ખોરાકની વસ્તુઓ યોગ્ય રીતે ઢાંકેલી નથી હોતી.ઘણી વસ્તુઓ પર માખીઓ બેસતી હોવાની ચર્ચાઓ પણ દેખાય છે.આ વિસ્તાર મહદઅંશે આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે.ત્યારે આમ જોવા જઇએ તો આ વાત ચોખ્ખી રીતે આદિવાસીઓના શોષણની જ વાત ગણાય.ગુજરાતમાં બહારના પ્રાંતમાંથી ઘણા પરપ્રાંતીઓ ધંધાર્થે વસી રહ્યા છે, તેમાં રાજપારડીનો પણ સમાવેશ થાય છે.પરપ્રાંતીય નાગરીકો ઘણીવાર સ્થાનિકો સાથે દાદાગીરી કરતા હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.ખાણીપીણીની લારીઓમાં મોટાભાગે સમોસા, પાણીપુરી, દાબેલી, પાંવભાજી જેવી ખાદ્ય વસ્તુઓ વેચાતી હોય છે.આ ખાદ્ય વાનગીઓ બનાવવામાં વપરાતા શાકભાજી સારી રીતે ધોઇને તેમજ સડેલા હોય તે કાઢી નાંખીને ઉપયોગમાં લેવાના હોય છે.ત્યારે ખાણીપીણીની લારીઓવાળાઓ આ મહત્વની બાબતનું યોગ્ય રીતે પાલન કરે છે કે કેમ ? તે બાબત પણ તપાસ માંગી લે છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જતા હજારો સહેલાણીઓ પણ રસ્તામાં આવતી આવી ખાણીપીણીની લારીઓ પર નાસ્તા કરતા હોય છે.ત્યારે આ લારીઓવાળા હજારો લોકોના સ્વાસ્થ્યને લઇને યોગ્ય રીતે સ્વચ્છતા જાળવે તે જોવા તંત્ર આગળ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ