આજરોજ વહેલી સવારે રાજપારડી નજીકથી વાહન ચેકીંગ દરમિયાન નર્મદાના પટમાંથી રેતી ભરીને જતી પાંચ ટ્રકો મામલતદાર અને નાયબ કલેક્ટર દ્વારા અટકાવીને રાજપારડી પોલીસને સોંપવામાં આવી હતી.વધુમાં જાણવા મળ્યા મુજબ ઉમલ્લા નજીક પણ કુલ ૧૭ જેટલી રેતીવાહક ટ્રકો અટકમાં લેવામાં આવી હતી.આ અંગે અધિકારીઓ નો ટેલિફોનીક સંપર્ક થઇ શક્યો નહતો જેથી આ રેતી લઇને જતી ટ્રકો કયા કારણોસર પકડવામાં આવી છે તેની વિગતો સાજના ૪ વાગ્યા સુધી જાણવા મળી ન હતી દરમિયાન ભરુચના ખાણ ખનિજ વિભાગનો સંપર્ક કરતા ઉમલ્લા નજીક પણ કુલ ૧૭ જેટલી ટ્રકોને અટકાવીને તપાસ આરંભાઇ હોવાનું જાણવા મળ્યુ હતુ.આ ટ્રકો ઓવરલોડ જથ્થો ભરીને જતી હતી કે પછી રોયલ્ટી ની તપાસ માટે પકડવામાં આવી છે તેની વિગતો હાલ તરત મળી શકી નહતી.ખાણ ખનિજ વિભાગ દ્વારા મળેલી વિગતો મુજબ જાણવા મળ્યુ કે અધિકારીઓ દ્વારા આ રેતીવાહક ટ્રકો ની તપાસ ચાલુ છે અને તપાસ પુરી થયા બાદજ પુરી વિગતો બહાર આવશે.જોકે હાલતો તંત્ર દ્વારા રાજપારડી અને ઉમલ્લાના વિસ્તારમાંથી એક સામટી ૨૨ જેટલી મોટી સંખ્યામાં રેતીની ટ્રકો ઝડપીને કાર્યવાહી હાથ ધરાતા રેતી વાહક ટ્રકોના માલિકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.ઉલ્લેખનીય છેકે નર્મદા કાંઠાના ટોઠિદરા ગામે ગાડાવાટના રસ્તેથી રેતી ભરેલી ટ્રકો પસાર કરાતી હોવાથી તે બાબતે સ્થાનિક ખેડૂતોમાં વિરોધ ઉભો થયો હતોઅને રેતીની ટ્રકોથી ખેતીને નુકશાન થતું હોવાની ફરિયાદો ઉઠતા ઝઘડીયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે આ ટ્રકો આ ગાડાવાંટના રસ્તેથી અવરજવર કરતી બંધ કરાવવા એક દિવસના પ્રતિક ઉપવાસ આદર્યા હતા.ઝઘડીયા તાલુકાના નર્મદાના વિશાળ પટમાં ચાલતી રેતીની લીઝો સંબંધે લાંબા સમયથી તાલુકામાં વિવાદ દેખાય રહ્યો છે ત્યારે આજે આટલી મોટી સંખ્યામાં રેતી ભરીને જતી ટ્રકો તંત્ર દ્વારા અટકાવીને તપાસ આરંભાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ