*શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે મહારાષ્ટ્ર ના પુનાથી એક મોટી ટ્રક સિલિકા ભરવા માટે આવી હતી. સિલિકા ભર્યા બાદ ટ્રક રાજપારડીથી ઝઘડિયા થઇને પુના જવા માટે નીકળી હતી. સિલિકા ભરેલી ટ્રક ઝઘડીયાથી પસાર થતી વખતે ઝઘડિયાના ચાર રસ્તા પર ટ્રકમાં અચાનક આગ લાગી હતી.ટ્રકમાં લાગેલ આ આગ શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું મનાય છે. ટ્રકમાં અચાનક આગ લાગતા થોડીવારમાં જ આગે ટ્રકના આખા કેબીન સહિત ટાયરો ને લપેટમાં લઇ લીધા હતા. ફાયર ફાઇટરોની મદદ મળે તે પહેલાજ અડધાથી વધુ ભાગનો ટ્રકનો આગળનો હિસ્સો સળગી ગયો હતો. ઝઘડિયા જીઆઇડીસીના બે અગ્નિ શામક બંબાઓએ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. ઝઘડિયા ચોકડીની વચ્ચોવચ ટ્રક સળગતા ઝઘડિયા પોલીસે તાત્કાલિક સલામતીના કારણોસર ટ્રાફિક અટકાવી દીધો હતો અને સાવચેતીના પગલારૂપે ઝઘડિયાનો વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક અટકવાના કારણે ઝઘડિયા ચોકડીની બંને તરફ એક-એક કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ટ્રકમાં આગે દેખા દેતા ટ્રક ચાલક ટ્રકમાંથી કુદી પડ્યો હતો.સદભાગ્યે કોઇ જાનહાની થઇ નથી.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી