બે દિવસના વરસાદી માહોલ બાદ ત્રીજા દિવસે ધુમ્મસ ફેલાયુ
પાછલા બે દિવસો દરમિયાન વાદળછાયા વાતાવરણથી ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા.ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ પાછલા બે દિવસો દરમિયાન જનતાએ વાદળછાયા વાતાવરણ વચ્ચે શિયાળામાં ચોમાસાનો અનુભવ કર્યો.બે દિવસ થયેલ ઝરમર વર્ષાને લઇને તાલુકામાં મકાન પર ઢાંકવાનું પ્લાસ્ટિક પણ બજારમાં કોઇ કોઇ જગ્યાએ વેચાતુ દેખાયુ હતુ.ચોમાસુ પુરૂ થયા બાદ વધેલ પ્લાસ્ટિકનો સ્ટોક લારીઓમાં મુકીને વેચાતો દેખાયો હતો.બે દિવસના વાદળછાયા વાતાવરણ બાદ આજે ત્રીજા દિવસે ઝઘડીયા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે નીકળેલા ધુમ્મસના કારણે ધુમાડો નીકળતો હોય એવા દ્રશ્યો જણાયા હતા.કમોસમી વરસાદ બાદ ધુમ્મસ ફેલાતા તેને લઇને ખેતીને નુકશાન થવાની ભીતિ જણાય છે.કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ ધુમ્મસના કારણે ખેતીના પાકના ફાલને અસર થાયછે.પાકના ફુલ તેમજ ઉપજને નુકશાન થવાની દહેશત રહેલી છે.વહેલી સવારે ધુમ્મસ નીકળતા ઝઘડીયા રાજપારડી વચ્ચે ધોરીમાર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો વાહનોની લાઇટો ચાલુ કરીને જતા દેખાતા હતા.ધુમ્મસના કારણે સામેનું કશુ દેખાતુ નથી,તેથી વાહનોએ લાઇટો ચાલુ રાખીને જવુ પડતુ હોય છે.આ લખાય છે ત્યારે આકાશમાં લગભગ વાદળો જણાતા નથી.ધીમેધીમે વરસાદી માહોલ દુર થઇ રહ્યો હોવાની લાગણી જનતા અનુભવી રહેલી જણાય છે.આમ ઝઘડીયા તાલુકામાં પાછલા બે દિવસના વરસાદી માહોલની અસરથી જનજીવન અસ્તવ્યસ્ત થયેલ જણાયુ.આજે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ ફેલાતા સામેનું કશુ દેખાતુ ન હતુ.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી