કંપનીના સ્ટોર રૂમમાંથી ૧૨ નંગ ફલેન્જ અને ૨ નંગ બ્લાઇન્ડ મળી કુલ ૧૬.૬૦ લાખ ચોરી
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જી.આઇ.ડી.સી માં આવેલ યુપીએલ નામની ચોરી થવા પામી છે. યુપીએલ કંપનીમાં વિવિધ જાતના કેમિકલ બનાવવામાં આવે છે. ગઇ તા.૨૬.૧૦.૨૦ ના રોજ કંપની સંચાલકો એ કેમિકલ બનાવવાની પ્રોસેસ માં એન્જિનિયરિંગ મટીરીયલ્સ તરીકે વપરાતા ફલેન્જ તથા બ્લાઇન્ડ નો સ્ટોક વિદેશથી મંગાવવામાં આવ્યો હતો અને તેને કંપનીના સ્ટોર રૂમમાં રાખવામાં આવેલ હતો. ગત તા.૪.૧૨.૨૦ના રોજ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા રાજુ અરવિંદભાઈ ટેલર કંપનીમાં ફરજ પર હતા, ત્યારે કંપનીના સ્ટોર એજ્યુકેટીવે તેમને જણાવેલ કે આપણા સ્ટોરમાં લોખંડનો બંધ દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી કોઈ માણસ નાના મોટા ફલેન્જ અને બ્લાઇન્ડ ચોરી કરી લઇ ગયા છે. સ્ટોર રૂમમાં તપાસ કરતા કુલ ૧૨ નંગ ફલેન્જ જેની કિંમત રુ. ૧૨,૮૭,૫૨૬ તથા બે નંગ બ્લાઇન્ડ જેની કિંમત રુ. ૩,૭૩,૨૯૬ મળી કુલ રૂપિયા ૧૬,૬૦,૮૨૨ ની મત્તાની કોઈ અજાણ્યા ઇસમો ગેરકાયદેસર રીતે કંપનીમાં પ્રવેશી કંપનીના રૂમમાંથી ચોરી કરી લઈ ગયા હોવાની જાણ થવા પામી હતી. ચોરીની ઘટના બાબતે સ્ટોર આસિસ્ટન્ટ મેનેજર રાજુ અરવિંદભાઈ ટેલરે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી