સામાજિક સંસ્થાઓ દ્વારા કુલ એક લાખ જેટલા માસ્ક બનાવાયા
દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરુચ દ્વારા સ્થાનિક અગ્રણીઓના સહયોગથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુ.વાઘપુરા (ઉમલ્લા)ગામે પોલીસ સ્ટેશન તેમજ ગ્રામ પંચાયત અને બજાર સહિત અન્ય વિસ્તારોમાં ત્રણ હજાર જેટલા કોટન માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.ઉપ સરપંચ નરેન્દ્રભાઈ વસાવા તેમજ ઉમલ્લા પીએસઆઇ વી.આર.થુંમરે સંસ્થાઓનો આભાર માન્યો હતો.ઉલ્લેખનીય છેકે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં એક લાખથી વધુ માસ્ક બનાવીને વિવિધ સ્થળોએ વિતરણ કરવામાં આવ્યા છે.ટ્રસ્ટના હોદ્દેદારો દિશાબેન ભેડા અને ઉર્મિલાબેન વસાવાએ અગ્રણીઓના સહયોગથી જરુર વાળી વ્યક્તિઓને કોટન માસ્ક વિતરણ કર્યા હતા.સંસ્થાઓ દ્વારા મહિલા રોજગારી તેમજ બાળ વિકાસ માટે સુંદર કામગીરી કરવામાં અાવે છે.ઉપરાંત આરોગ્ય તેમજ શિક્ષણલક્ષી કામગીરી પણ કરવામાં આવે છે. સંસ્થાઓ દ્વારા વાલિયા, ઝઘડીયા, રાજપારડી, પાણેથા, ઇન્દોર વિ.ગામોએ પણ માસ્ક વિતરણની કામગીરી કરવામાં આવી હતી.અત્યારે ચાલી રહેલ કોરોના મહામારીના સમયમાં માસ્ક જરુરી છે,ત્યારે સામાજીક સંસ્થાઓ દ્વારા લોકોને વિનામૂલ્યે માસ્ક આપવાની કામગીરીને જનતાએ આવકારી હતી.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી