નિયત સમય દરમિયાન દબાણ દુર નહીં થાયતો કાયદેસર કાર્યવાહી કરાશે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરમાં છેલ્લા કેટલાક સમયથી દબાણનો પ્રશ્ન દેખાય છે. જાણવા મળ્યા મુજબ ઝઘડિયા ચાર રસ્તાથી લઇને અન્ય કેટલાક વિસ્તારોમાં દબાણના પ્રશ્ન હોવાની વાતો ચર્ચામાં છે. જેના કારણે એક વર્ષ સુધી ઝઘડિયા ડેપોમાં જતી બસોને વાઘપુરા રેલવે ક્રોસિંગ થી ડાયવર્ટ કરવામાં આવી હતી.મળતી વિગતો મુજબ અગાઉ ઝઘડિયા પોલીસ મથક માટે નવી ફળવાયેલી જમીન પાસે લારી-ગલ્લાઓના દબાણ દુર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાલમાં ઝઘડિયા પોલીસ દ્વારા ઝઘડિયા સ્ટેટ બેન્ક ની સામે, દિવાન ધનજીશા હાઈસ્કૂલ પાસે તેમજ પોલિસ ક્વાટર્સ ની આજુબાજુ આવેલા દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવી છે.આ નોટિસમાં જણાવાયું છે કે તમોએ ગ્રામ પંચાયત સુલતાનપુરા ઝગડિયાની જગ્યા ઉપર બિનઅધિકૃત રીતે લારી ગલ્લાઓ દુકાન લગાવેલ છે. જે નોટિસ મળે થી દિન ૭ માં દૂર કરવું. આમ કરવામાં બેદરકારી રાખશો તો સરકારી રાહે તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેશો તેમ જણાવાયુ હતુ. પ્રાપ્ત વિગતો મુજબ ઝગડિયા પોલીસ દ્વારા આપવામાં આવેલી નોટિસનો સમય મંગળવારના રોજ પૂરો થતો હોય તે દરમિયાન સ્વેચ્છીક દબાણ દુર કરવામાં નહીં આવે તો ઝઘડિયા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ હાલના તબક્કે દેખાઇ રહ્યુ છે.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી