રાજકોટમાં ભાજપે આ વર્ષે મહિલા ઉમેદવારને તક આપી અલગ અલગ ત્રણ જગ્યાએ મહિલાઓને ટિકિટ આપી છે જ્યારે સમાં પક્ષે કોંગ્રેસે એક પણ મહિલાને ટિકિટ આપી નથી. શું આ પગલું કોંગ્રેસને ભારે પડશે? એ તો હવે આવનાર સમય જ નક્કી કરશે. રાજનીતિમાં પણ મહિલાઓની ભાગીદારી વધે તે માટે રાજયમાં ભાજપ સરકાર દ્વારા સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં મહિલાઓને ૫૦ ટકા અનામત આપવામા આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નકકી કરવા માટે છેલ્લી ઘડીએ એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમા જિલ્લામાં એક મહિલા ઉમેદવાર અને મહાનગરોમાં બે મહિલાઓને ટિકિટ આપવાનું સમીકરણોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપે રાજકોટમાં ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખવામાં આવી છે.તમામ નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.જેમાં રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્થાને ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જયારે રાજકોટ ગ્રામ્ય બેઠક પર સીટીંગ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના સ્થાને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા પર ફરી વિશ્વાસ મૂકવામાં આવ્યો છે.
શહેરની ચારેય પૈકી બે બેઠકો પર ભાજપે બે મહિલાઓને મેદાનમાં ઉતારી છે. ગત ચૂંટણીમાં એક પણ મહિલાને ટિકિટ આપવામાં આવી નહતી. આ ઉપરાંત જિલ્લાની ગોંડલ વિધાનસભા બેઠક પર સિટીંગ ધારાસભ્ય ગીતાબા જાડેજાને ટિકિટ આપવામા આવી છે. જિલ્લાની આઠમાંથી ભાજપે પાંચ બેઠકો પર મહિલાઓને તક આપી છે. સામા પક્ષે કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લાની આઠ પૈકી એક પણ બેઠક પર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના રસ્તે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. તમામ રાજકીય પક્ષો રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધે અને મહિલા સશકિતકરણની વાતો ચોકકસ કરે છે. પરંતુ તેની અમલવારીની વાત આવે ત્યારે સમીકરણોની ચકાસણી કરવા લાગે છે. ભાજપે આ વખતે હિંમત ભર્યો નિર્ણય લીધો છે. જિલ્લા કક્ષાએ ઓછામાં ઓછી એક બેઠક મહિલાને આપવામા આવી છે.
રાજકોટ જેવા શહેરમાં ચારમાંથી બે બેઠકો પર મહિલા ઉમેદવારને ઉભા કરવામાં આવ્યા છે. જો મહિલાઓને રાજકારણમાં લાવવી હશે તો તેઓની કદર કરવી પડશે. સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં અનામત હોવાના કારણે ફરજીયાત પણે મહિલાને ટિકિટ આપવી પડે છે. જયારે વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને જોઈએ તેટલું પ્રતિનિધિત્વ મળતુ નથી. ભાજપે પણ ૧૦ ટકા મહિલાઓને ટિકિટ આપી નથી તે અંગે પણ પક્ષે વિચારણા કરવી પડશે. મહિલા મોરચાના કાર્યકતા કે હોદેદાર તરીકે માત્ર મહિલાઓની રાજનીતિ સિમિત ન રહી જાય તે માટે દરેક પક્ષે જોવું પડશે. મહિલા મતદારોની સંખ્યા સતત વધી રહી છે. આવામાં જો મહિલા મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા હશે તો તમામ રાજકીય પક્ષોએ મહિલાઓને પ્રતિનિધિત્વ માટેની તક આપવી જ પડશે.