ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. રોજબરોજ ક્યાંકને ક્યાંક ઢોરને કારણે ઘટનાઓ બને છે અને તેનો ભોગ સામાન્ય લોકોને બનવું પડી રહ્યું છે. લોકો ઘાયલ થઇ રહ્યા છે તો આ ઘટનામાં ઘણી મોત પણ થઇ ગઈ છે. ગુજરાત રાજ્યમાં ઢોરની સમસ્યા મામલે હાઇકોર્ટે સરકારને ફટકાર આપ્યા બાદ પણ સમસ્યાનું સમાધાન થયું નથી ઉલટાની સમસ્યા વધી ગઈ છે. રસ્તા પર રખડતા ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ મામલે સ્થિતિ હજુ ત્યાંને ત્યાં છે.
રખડતા ઢોરના બનાવમાં વધુ એક બનાવ રાજકોટના ગોંડલમાં બન્યો હતો જેમાં ગોંડલના દરબાર ગઢમાં ગત ત્રીજી સપ્ટેમ્બરના રોજ થઇ હતી. આ ઘટનામાં એક આંખલાએ વૃદ્ધને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રખડતા ઢોરથી આજે વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
આ ઘટનામાં મૃત્યુ પામેલા વૃદ્ધનું નામ ગોપાલભાઈ આરદેસાણા હતું અને આ અંગે પોલીસને જાણ થતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરશે.