કોરોના કાળના બે વર્ષના લાંબા ગાળા બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં આગામી તા. ૧૭ ઓગસ્ટથી પાંચ દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદા-જુદા ૩૦૦ થી પણ વધુ સ્ટોલ માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાકાળ પહેલાના મેળાઓમાં નામકરણ માટે નવી પ્રણાલી શરૂ કરાઇ હતી જેમાં લોકો પાસેથી સૂચનો લઈને મેળાને નામ અપાતું હતું. આ વર્ષે રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુએ લોકોને અપીલ કરી હતી કે રાજકોટની જનતા આ બે વર્ષ બાદ યોજાતા લોકમેળાનો નામ આપે. આમ રાજકોટમાં મેળાને આકર્ષક નામ આપવા રાજકોટની જનતાને અપીલ કરી છે.
આ વર્ષનો લોકમેળો તા.૧૭ ઓગસ્ટથી ૨૧ ઓગસ્ટ સુધી યોજાનાર છે. આ મેળાને શીર્ષક આપવા માટે કલેકટર દ્વારા સ્પર્ધા યોજવામાં આવી છે. શીર્ષક ટૂંકું, આકર્ષક અને ગમ્ય હોવુંજોઇએ. એક વ્યક્તિ દિઠ વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકાશે. લોકમેળાને શીર્ષક આપવાની સ્પર્ધામાં એન્ટ્રી પત્રથી અથવા ઇ-મેઇલથી મોકલવાનો રહેશે. પત્રથી એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે વ્યવસ્થિત અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇમેલથી શીર્ષક મોકલનાર સ્પર્ધકે પણ સરનામુ અને સંપર્ક નંબર લખવાનો રહેશે. આ એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ – ૨૭ જુલાઈ ૨૦૨૨ છે. આ સ્પર્ધામાં કોઇ પણ ભાગ લઇ શકશે. આવેલી એન્ટીમાંથી લોકમેળા સમિતિ દ્વારા શીર્ષક પસંદ કરવામાં આવશે. સ્પર્ધકોએ એન્ટ્રી મોકલવાનું સરનામું લોકમેળા અમલીકરણ સમિતિ, કલેકટર કચેરી, ખાસ શાખા, શ્રોફ રોડ, રાજકોટ. ઇ મેઇલ આઇ.ડી. collectorsbronch@gmail.com ઉપર મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં.