દેશમાં વધતી જતી મોંઘવારીને લઇ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયથી મોંઘવારીના વિરોધ મામલે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી નજીક આવી એટલે પેટ્રોલના ભાવ ઘટ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,પેટ્રોલ અને ડીઝલમાં માત્ર 9 થી 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ હજુ પણ ખાદ્યતેલોમાં અનાજ કરીયાણા તેમજ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ બધા વચ્ચે મધ્યમ વર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રોજ કમાઇને રોજ ખાતા લોકોની હાલત કફોડી બની છે.
અન્ય દેશની પરિસ્થિતિને બાદ કરતા દેશમાં મોંઘવારી અને બેરોજગારીનું સ્તર ચિંતાજનક બન્યું છે તે વાતને નકારી શકાય તેમ નથી. નોંધનીય છે કે, આ વિરોધ પ્રદર્શનમાં રાજકોટ શહેરના કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી સહિતના આગેવાનો જોડાયા હતા. તો સાથે જ જુદા જુદા પોસ્ટર અને કાર્યકર્તાઓએ પ્લેકાર્ડ સાથે બાઈક રેલી યોજી હતી.